Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

પ્રિયંકા ચૌધરએ લક્ઝરી શોખ માટે વેપારીને ફસાવી લાખો પડાવ્યા

પ્રિયંકા ચૌધર મિસિસ ઇન્ડિયા રાજસ્થાન બની હતી : બે પુત્રીની માતા એવી પ્રિયંકાએ વેપારી સાથે સંબંધ બનાવ્યા અને પછી દુષ્કર્મના કેસમાં ફીટ કરાવવાની ધમકી આપી

જયપુર,તા.૧૩ : ૨૦૧૯માં મિસિસ ઈન્ડિયા રાજસ્થાન બનેલી પ્રિયંકા ચૌધરી જયપુરના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં હવે પોલીસના સકંજામાં છે. શ્યામનગર પોલીસ તેને ૨ દિવસના રિમાન્ડ પર લઈને પૂછપરછ કરી રહી છે. આ દરમિયાન પ્રારંભિક પૂછપરછમાં સામે આવ્યું કે પૂર્વ મિસિસ ઈન્ડિયા રાજસ્થાન પ્રિયંકા ચૌધરીએ લક્ઝરી લાઈફનો શોખ પૂરો કરવા માટે વેપારી સાથે સંબંધ બનાવ્યા હતા. આજકાલ હનીટ્રેપના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરનો કિસ્સો જયપુરનો આવ્યો છે.

      જેમાં એક ઉદ્યોગપતિએ પૂર્વ મિસિસ રાજસ્થાન રહેનારી એક મહિલા સામે હનીટ્રેપનો કેસ કર્યો છે. તપાસ બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી. શ્યામ નગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયસિંહે જણાવ્યું હતું કે, આરોપી મહિલા પ્રિયંકા ચૌધરીની આશરે પાંચ વર્ષ પહેલા ઉદ્યોગપતિ સાથે ઓળખાણ થઈ હતી અને મકાન ભાડે રાખ્યું હતું. આ પછી મહિલાએ ઉદ્યોગપતિ ઘાસીલાલ ચૌધરી સાથે પારિવારિક સંબંધો બનાવ્યા હતા અને નજીક સરકી હતી. જે બાદ વારેઘડી રુપિયાની જરુર હોવાનું કહીને ઉધાર લઈ જતી હતી. જે બાદ વેપારીએ એક સમયે રુપિયા આપવાની ના પાડતા બળાત્કારના કેસમાં ફસાવાની ધમકી આપી લાખો રૂપિયાની વસૂલાત કરી હતી. બદનામીથી ડરીને વેપારીએ મહિલાને માંગણી મુજબ પૈસા આપ્યા. ચાર દિવસ પહેલા ઉદ્યોગપતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, પ્રિયંકા ચૌધરી તેની પાસે ૪૦૦ ચોરસ યાર્ડનો ખાલી પ્લોટ માંગે છે. વેપારીને ડરાવવા માટે મહિલાએ ગત મહિને શ્યામનગર પોલીસ સ્ટેશનમાં વેપારી વિરુદ્ધ મારપીટનો કેસ નોંધાવ્યો હતો.

(8:01 pm IST)