Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

ચીનમાં કોરોના વાયરસના ડેલ્ટા વેરિયન્ટથી નવી લહેર આવી શકે

ડોક્ટરોએ કહ્યું વધુ ઝડપથી ગંભીર સ્થિતિમાં પહોંચે છે દર્દી : સ્થાનિક નિષ્ણાંત ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું આ સ્થિતિ ચિંતા જનક છે, આઈસોલેશનથી બીમારના ફેલાવાની ગતી ઘટે છે અટકતી નથી

નવી દિલ્હી,તા.૧૩ : આખી દુનિયા કોરોના માટે જેના તરફ શંકાની નજરે જોઈ રહી છે તે ચીનમાં હવે કોરોનાના નવા વેરિયન્ટે કહેર મચાવ્યો છે. ચીનના દક્ષિણપૂર્વ પ્રદેશોમાં ફેલાઈ રહેલા આ નવા વેરિયન્ટ અંગે ડોક્ટરો કહી રહ્યા છે કે આ નવા પ્રકારના વાયરસથી સંક્રમિત લોકોના લક્ષણો બિલકુલ અલગ હોય છે અને આ નવો પ્રકાર વર્ષ ૨૦૧૯ના અંતમાં મહામારીની શરુઆતમાં ચીનના વુહાનમાં જે દેખાયો હતો તેના કરતા વધુ ખતરનાક છે. ચીનમાં સરકારી ટીવી પર માહિતી આપતા આ ડોક્ટરોએ કહ્યું કે દર્દીઓ આ કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા બાદ વધુ ઝડપથી બીમાર પડી રહ્યા છે અને પહેલાની સરખામણીએ ઝડપથી તેમની સ્થિતિ ગંભીર બની રહી છે. સિમ્પ્ટોમેટિક કેસના ૪થી ૫ ટકા કેસમાં જ દર્દીને તાવ આવે છે. જોકે આ વાતને પહેલાની લહેર સાથે કઈ રીતે તુલના કરવામાં આવી છે તેના અંગે તેમણે જણાવ્યું નથી. જોકે ડોક્ટરોએ કહ્યું કે જે પણ દર્દીઓ આ વાયરસના વેરિયન્ટથી પ્રભાવિત થઈને અમારી પાસે આવે છે તેમના શરીરમાં ગત લહેર કરતા વધુ માત્રામાં વાયરસ કન્સ્ટ્રેશન જોવા મળે છે અને સારવાર બાદ પણ ખૂબ જ ધીરે ધીરે તે ઓછું થાય છે.

     આ વાયરસના સંક્રમિત ૧૨ ટકા દર્દીઓ વાયરસના સંપર્કમાં આવ્યાના ૩-૪ દિવસમાં ગંભીર રીતે બીમાર પડે છે તેમ ગુઆંગઝુ શહેરમાં આવેલી સન યેટ-સેન યુનિવર્સિટીના ક્રિટિકલ કેર મેડિસિનના ડિરેક્ટર ડો. ગુઆન ઝિંગડોંગે કહ્યું. જ્યાં ગત સમયે પણ વુહાન પછી વાયરસનો વધુ પ્રકોપ જોવા મળ્યો હતો. બ્રિટન અન બ્રાઝિલના ડોક્ટોરો પણ આ જ પ્રકારનો ટ્રેન્ડ તેમને ત્યાં હોવાની વાત કરતા કહ્યું કે આ કોરોના વાયરસના એક જ વેરિયન્ટ ડેલ્ટાથી સંક્રમિત દર્દીઓમાં જોવા મળે છે. જોકે આ દેશોમાં હજુ આ વાયરસ કેટલો ઘાતક છે તે પુરવાર નથી થયું. ચીન તરફથી કેહવામાં આવેલી આ વાત કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી કેટલો ખતરો માણસજાત માટે છે તે સાબિત કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ વેરિયન્ટને ચિંતાનું કારણ ગણાવ્યો છે. ડેલ્ટા વેરિયન્ટ યુકેમાં હાલ સૌથી મુખ્ય એક્ટિવ કેરોના વાયરસ બની ગયો છે. અહીં ડોક્ટરોએ કહ્યું કે આ વાયરસનો પ્રકાર ખૂબ જ સંક્રામક છે. તે એવા લોકોને પણ સંક્રમિત કરી શકે છે જેમણે કોરોના વાયરસ રસીના એકથી બે ડોઝ લીધા હોય. ચીન પાસે વિશિષ્ટ રીતે આ તમામ કેસનો વિગતવાર ડેટા છે, કારણ કે તેની પાસે મહામારી ફાટી નીકળી ત્યારથી લઈને તમામ વિસ્તારોમાં અધિકારીઓએ ટેસ્ટિંગ સ્થળો ઉભા કર્યા છે જેના કારણે દરેક કેસની વિસ્તૃત માહિતી એકઠી કરી શકે છે.

      દક્ષિણ-પૂર્વ ચીનમાં ડેલ્ટાનો ફેલાવો ચીનની સ્વ-નિર્મિત રસીઓની અસરકારકતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. જોકે ચાઇનીઝ અધિકારીઓએ એવી કોઈ માહિતી આપી નથી કે રસી અપાયેલા લોકોમાંથી કેટલા લોકોને નવા ચેપ લાગ્યો છે. પરંતુ કેટલાક અન્ય દેશોમાં જેવા કે સેશેલ્સ અને મંગોલિયા જ્યાં ચીની બનાવટની રસીઓનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અહીં રસી અપાયેલા લોકોમાં પણ સંક્રમણ વધી રહ્યું છે એટલું જ નહીં પણ આવા લોકો વધુ જલ્દીથી ગંભીર બીમારીમાં પડતા હોવાનું નોંધાયું છે. સંક્રમણગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા હજારો નાગરિકોને ગ્વાંગઝુએ ક્વોરન્ટિંન કરીને આઈસોલેટ કર્યા છે. ટેસ્ટિંગ અને આઈસોલેશનથી સંક્રમણ ધીમું જરુર પડ્યું છે પરંતુ બીમારી અટકી નથી. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગે શુક્રવારે ઘોષણા કરી હતી કે ગ્વાંગઝુમાં પાછલા દિવસે નવ નવા કેસ મળી આવ્યા છે. ગ્વાંગઝુ મ્યુનિસિપલ હેલ્થ કમિશનના ડેપ્યુટી ડિરેક્ટર ચેન બિનએ જણાવ્યું હતું કે, મહામારી હજુ પૂરી થઈ નથી અને વાયરસના સંક્રમણનું જોખમ હજુ પણ છે.

(8:08 pm IST)