Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્લે પાર્ટીના નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા : કહ્યું - દેશમાં રાજકીય વિકલ્પનો અભાવ

દેશનો મજબૂત, વિશ્વાસનીય વિપક્ષની જરૂર : કોંગ્રેસ પાર્ટીએ દેખાડવાની જરૂર છે કે તે સક્રિય છે અને સાર્થક રીતે કામ કરવા ઈચ્છે છે

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વે અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીકના કેટલાક યુવા નેતાઓએ છેલ્લા થોડા સમયમાં જ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને જિતિન પ્રસાદ સહિતના મોટા નેતાઓના નામ આમા સામેલ છે. સૂત્રોના મતે રાજસ્થાનના કોંગ્રેસના નેતા સચિન પાયલટ પણ મોવડીમંડળથી નારાજ છે. હાલમાં સચિન પાયલટને સમજાવવાના પ્રયાસો વેગવાન છે. પંજાબમાં નવજોત સિંહ સિધૂ પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતૃત્વથી નારાજ હોવાનું જણાય છે. આવા સમયમાં પક્ષની અંદર પણ બળવાનો પવન ફૂંકાયો હોવાની ચર્ચા વહેતી થઈ છે. હવે કોંગ્રેસના વિશ્વાસુ અને વરિષ્ઠ નેતા કપિલ સિબ્લે પણ પાર્ટીના નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા છે.

સિબ્બલે પીટીઆઈ સાથેના એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે પ્રવર્તમાન સમયમાં ભાજપ માટે કોઈ મજબૂત રાજકીય વિકલ્પ નથી, તેમણે એમ પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તામાં રહેવા માટેનો નૈતિક અધિકાર ગુમાવ્યો છે અને કોંગ્રેસ તેનો વિકલ્પ બની શકે છે.

કપિલ સિબ્બલે કોંગ્રેસના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા કહ્યું કે દેશમાં રાજકીય વિકલ્પનો અભાવ છે, દેશનો મજબૂત, વિશ્વાસનીય વિપક્ષની જરૂર છે. સિબ્બલે પક્ષમાં સુધારા માટેની હિમાયત પણ કરી હતી. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ એવું દેખાડવાની જરૂર છે કે તે સક્રિય છે અને સાર્થક રીતે કામ કરવા ઈચ્છે છે. ભારતને પુનરુત્થાનવાદી કોંગ્રેસની જરૂર છે અને પાર્ટીએ દેખાડવું પડશે કે તે સક્રિય રીતે લોકો સાથે જોડાવવાના મૂડમાં છે.

હાલમાં રાજકીય વિકલ્પન અભાવ છે અને કોંગ્રેસે અનુભવ તેમજ યુવાનો વચ્ચે સંતુલન બનાવવાની તાત્કાલિક જરૂર છે. ઉલ્લેખનીય છે કે કબિલ સિબ્બલ સહિતના કેટલાક કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ગત વર્ષે સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષમાં સુધારાની જરૂર હોવાની માંગ કરી હતી.

(9:19 pm IST)