Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કાનૂની મૂંઝવણ : શુંસ્ત્રી પુરૂષ પર બળાત્‍કાર કરી શકે ?

કેરળ હાઇકોર્ટની ટિપ્‍પણી પર કાયદાકીય નિષ્‍ણાતો અસંમત

કોચી,તા.૧૩: શું સ્ત્રી પુરુષ પર બળાત્‍કાર કરી શકે? શું બળાત્‍કાર સામેના કાયદાઓ તેને સજા આપવા માટે લિંગ તટસ્‍થ હોઈ શકે? કેરળ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતી વખતે આઈપીસી ૩૭૬માં સુધારાની જરૂરિયાત દર્શાવતા તેના માટે મૌખિક ટિપ્‍પણી કરી હતી. પરંતુ મોટાભાગના કાનૂની નિષ્‍ણાતો અસંમત છે.

તેઓ આ ટિપ્‍પણીને કાયદાની ગેરસમજનું પરિણામ માને છે. નવા સમયને જોતા લગ્નના બહાને શારીરિક સંબંધ બાંધવાના કિસ્‍સાઓને બળાત્‍કાર નહીં પરંતુ છેતરપિંડી તરીકે ગણવામાં આવે તે પણ વિચારવામાં આવ્‍યું હતું. તેનાથી છેતરપિંડી અને બળાત્‍કારના વિવાદોનો અંત આવશે.

કેરળ હાઈકોર્ટના જસ્‍ટિસ એ મોહમ્‍મદ મુશ્‍તાકની અધ્‍યક્ષતાવાળી બેંચ છૂટાછેડા લીધેલા પુરુષ અને મહિલા વચ્‍ચે બાળકની કસ્‍ટડીના મામલાની સુનાવણી કરી રહી હતી. મહિલાએ કહ્યું કે તેના પૂર્વ પતિ પર લગ્નના બહાને અન્‍ય મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવાનો આરોપ છે. તે બળાત્‍કારી છે, બાળકની સંભાળ લેવા માટે યોગ્‍ય નથી. તેના પર હાઈકોર્ટે પૂછ્‍યું કે જો કોઈ મહિલા ડોળ કરીને પુરુષ સાથે સંબંધ બનાવે તો શું થશે? ન્‍યાયાધીશે પોતે જ જવાબ આપ્‍યો, તેને સજા નહીં થાય. સાથે જ કહ્યું કે, શું એવો કોઈ કાયદાકીય સુધારો થઈ શકે છે કે જે મહિલા છેતરપિંડી કરીને સેક્‍સ કરે છે તેને પણ સજા મળવી જોઈએ.

ન્‍યાયાધીશની ટિપ્‍પણી કાયદાની ખોટી સમજ પર આધારિત છે, હું સહમત નથી. તેઓ સંભવતઃ લિંગ ભેદભાવ વિના, સુધારેલી કલમ ૩૭૬ હેઠળ, બળાત્‍કારનો આરોપ મૂકીને પુરુષને ફસાવતી સ્ત્રીને સજા કરવાની વાત કરી રહ્યા હતા. પરંતુ આ કલમ બળાત્‍કારની સજા માટે છે ખોટા આરોપમાં સજા માટે નથી. તેનાથી ખોટા આરોપો બંધ થશે નહીં. આ માટે અન્‍ય કાયદાઓ છે. -રેબેકા જોન (સુપ્રીમ કોર્ટ અને દિલ્‍હી હાઈકોર્ટ માટે ફોજદારી વકીલ)

નબળા લોકો સામે જાતીય ગુનાઓ આચરવામાં આવ્‍યા હોવાનું માનવામાં આવે છે. તે વિચારવું વાહિયાત છે કે સ્ત્રી શારીરિક શક્‍તિ દ્વારા પુરુષને માત આપી શકે છે. જાતીય અપરાધો પર લિંગ તટસ્‍થ કાયદો શક્‍ય નથી. જાતીય ગુનામાં કાયદો સ્ત્રીને નબળા અને પુરુષને બળવાન ગણીને સજા નક્કી કરે છે. જાજુ બાબુ (કેરળ હાઈકોર્ટના એડવોકેટ)

બળાત્‍કારના કેસોમાં મહિલાઓ વિરુદ્ધ વિચારવાનું વલણ વધી રહ્યું છે. શા માટે સ્ત્રી પુરુષને ફસાવે? બળાત્‍કારના ૧૦૦૦ કેસોમાંથી માત્ર થોડા જ ખોટા હશે. આવી વિચારસરણી તમામ પીડિતો માટે જોખમી છે. બંધારણમાં મહિલાઓ અને બાળકોને કાયદાકીય સુરક્ષાની પણ વાત કરવામાં આવી છે. લિંગ તટસ્‍થતા કરતાં વધુ મહત્ત્વનું આ કાનૂની રક્ષણ છે. એકે પ્રીથા (ફિલ્‍મ નિર્માતા વિકાસ બાબુ સામે બળાત્‍કારના કેસમાં પીડિતાના વકીલ)

લગ્નનું વચન આપીને બળાત્‍કાર જેવા કેસોમાં લિંગ તટસ્‍થતાથી વિચારવાની જરૂર છે. દરેક પ્રેમ સંબંધ લગ્નમાં પરિવર્તિત થાય તેવી અપેક્ષા રાખવી જોઈએ નહીં. આજના સમાજમાં એવું નથી. સંબંધ બાંધ્‍યા પછી લગ્નનું વચન ન પાળવું એ છેતરપિંડી કહેવાય, બળાત્‍કાર નહીં. -ફિલિપ ટી વર્ગીસ (કેરળ હાઈકોર્ટના એડવોકેટ)

(10:09 am IST)