Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

શૂટર સંતોષની ધરપકડ બાદ તેને મોડી રાત્રે કોર્ટમાં રજૂ કરાયોઃ કોર્ટે શૂટર સંતોષ જાધવના ૨૦ જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે

મૂસેવાલા કેસમાં શાર્પશૂટર સંતોષ જાધવની ગુજરાતથી ધરપકડ

પુણે, તા.૧૩: પંજાબી સિદ્ધૂ મૂસેવાલાના હત્યાકાંડમાં ફરાર થયેલા શૂટર સંતોષ જાધવની પુણે પોલીસે ધરપકડ કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આરોપીની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. પુણે ગ્રામ્ય પોલીસે શૂટર સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ કર્યા બાદ તેને મોડી રાત્રે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેના ૨૦ જૂન સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે સંતોષ જાધવની સાથે નવનાથ સૂર્યવંશીની પણ ધરપકડ કરી લીધી છે. સંતોષ જાધવ કોણ છે અને આ સિવાય કેટલા શૂટર્સને મૂસેવાલાની હત્યા માટે મોકલવામાં આવ્યા હતા તે તમામ વિગતો સામે આવી છે.

સંતોષ જાધવ અને સૌરભ મહાકાલ ફરાર થઈ ગયા હતા. બંને પંજાબમાં રહેતા હોવાની ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી. આ બંને લૉરેન્સ બિશ્નોઈની ગેંગના હોવાનું જાણવા મળે છે. પુણે ગ્રામીણ પોલીસે સીસીટીવી જોયા બાદ પંજાબ પોલીસને સંતોષ જાધવ વિશે જાણ કરી હતી.

સચિન બિશ્નોઈ ગેંગે ગાયક સિદ્ધુ મૂસેવાલા પર હુમલો કરવા માટે મહારાષ્ટ્રમાંથી બે શાર્પ શૂટરને બોલાવ્યા હતા. સંતોષ જાધવ અને મહાકાલ બે શૂટર હતા. પંજાબ પોલીસે મૂસેવાલા પર ગોળીબાર કરનારાઓના નામ જાહેર કર્યા છે. મુસેવાલને મારવા કુલ ચાર રાજ્યોમાંથી શૂટરોને પંજાબ મોકલવામાં આવ્યા હતા. ૩ શૂટર પંજાબના હતા. ૨ મહારાષ્ટ્રના, ૨ હરિયાણાના અને તેમાંથી એક રાજસ્થાનનો શાર્પશૂટર હતો.

પોલીસની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી બહાર આવશે? આ કેસને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો અને શાર્પશૂટર્સ કઈ રીતે પંજાબ પહોંચ્યા તે અંગે ચોંકાવનારી વિગતો સામે આવશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ સિવાય ભૂતકાળમાં કે ભવિષ્ય માટે કોઈ પ્લાન બનાવ્યો હતો કે કેમ તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.

કોણ છે સંતોષ જાધવ? : સંતોષ જાધવ ૨૩ વર્ષના છે. તે અંબેગાંવ તાલુકાના આદિવાસી વિસ્તારના પોખરી ગામનો વતની છે. તેઓ મંચરમાં રહેતા હતા. સંતોષ જાધવના પરિવારમાં માતા, બહેન, પત્ની અને એક પુત્રી છે.

રણ્યા ઉર્ફે ઓમકાર બાંખિલેની ૧ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ મંચર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. સંતોષ જાધવ સામે હત્યામાં સંડોવણી હોવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

તે સિવાય મંચર પોલીસે તેની સામે પોલીસ સ્ટેશનમાં ખંડણી અને ચોરીનો ગુનો પણ નોંધ્યો છે, તેના પર રાનિયા બાણખેલીની હત્યાનો પણ આરોપ છે અને તે ફરાર છે. આ કેસમાં તેને દેશનિકાલ કરવામાં આવ્યો હતો. તે પછી તે રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં રહ્યો. અહીં પણ તેના પર અનેક ગંભીર ગુનાઓ નોંધાયા છે.

(11:05 am IST)