Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

શ્રદ્ધા કપૂરના ભાઈ સિધ્‍ધાંતની ધરપકડ : ડ્રગ્‍સ લેવાનો આરોપ

શક્‍તિ કપૂરનો પુત્ર ડ્રગ્‍સના કેસમાં ફસાયો : હોટેલ પાર્ટી પર દરોડા પાડવામાં આવ્‍યા

બેંગલોર તા. ૧૩ : બોલિવૂડ કોરિડોરમાંથી એક મોટા સમાચાર સામે આવ્‍યા છે. સુશાંત સિંહ રાજપૂત કેસ પછી જે રીતે ડ્રગ્‍સ કેસમાં સેલેબ્‍સનાં નામ સામે આવી રહ્યાં છે તે ચોંકાવનારૂં છે. હવે આ લિસ્‍ટમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરનું નામ સામે આવ્‍યું છે. તેના પર ડ્રગ્‍સ લેવાનો આરોપ છે. જે બાદ તેને પોલીસ કસ્‍ટડીમાં લેવામાં આવ્‍યો છે.
અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈની પોલીસે બેંગ્‍લોરમાં અટકાયત કરી છે, તેના પર ડ્રગ્‍સ લેવાનો આરોપ છે. પોલીસના દરોડા બાદ તેઓને કસ્‍ટડીમાં લેવામાં આવ્‍યા છે. મળતી માહિતી મુજબ, ડ્રગ્‍સ ટેસ્‍ટમાં શ્રદ્ધા કપૂરના ભાઈ સહિત કુલ છ લોકો પોઝિટિવ આવ્‍યા છે. આ લોકો બેંગ્‍લોરના એમજી રોડ પર સ્‍થિત એક હોટલમાં પાર્ટી કરી રહ્યા હતા. ત્‍યાં પોલીસે દરોડો પાડ્‍યો હતો.
સિદ્ધાંત કપૂર પીઢ અભિનેતા શક્‍તિ કપૂરનો પુત્ર અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરનો ભાઈ છે. સિદ્ધાંત પોતે પણ ફિલ્‍મ લાઈનમાં છે. તે બોલિવૂડની ઘણી ફિલ્‍મોમાં જોવા મળ્‍યો છે. એ અલગ વાત છે કે સિદ્ધાંતની કરિયર ફલોપ રહી છે. ફિલ્‍મો ઉપરાંત તે વેબ સિરીઝ અને મ્‍યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. પરંતુ આજ સુધી આવી કોઈ ભૂમિકા તેમને ઓળખ આપી શકી નથી. સિદ્ધાંતે તેની બહેન શ્રદ્ધા કપૂર સાથે ફિલ્‍મ હસીના પારકરમાં સ્‍ક્રીન શેર કરી હતી. આ ફિલ્‍મ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. સિદ્ધાંતની અગાઉની રિલીઝ ફેસિસ હતી. આ ફિલ્‍મની હાલત પણ તેની બાકીની ફિલ્‍મોની જેમ ફલોપ રહી હતી.
તમને જાણીને નવાઈ લાગશે કે ડ્રગ્‍સ કેસમાં સિદ્ધાંતની બહેન શ્રદ્ધા કપૂરનું નામ પણ આવ્‍યું હતું. સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્‍સ કેસમાં શ્રદ્ધા કપૂર NCBની રડારમાં આવી હતી. આ મામલે NCB ટીમ દ્વારા શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. શ્રદ્ધા કપૂર અને સુશાંતે સાથે ફિલ્‍મ છિછોરે કરી હતી. શ્રદ્ધા કપૂર વિશે એવું કહેવાય છે કે તે ઘણી વખત લોનાવલમાં સુશાંતના ફાર્મ હાઉસમાં પાર્ટીમાં ગઈ હતી. અભિનેત્રી દ્વારા એનસીબીને કહેવામાં આવ્‍યું હતું કે તે પાર્ટીમાં સામેલ થઈ હતી પરંતુ ડ્રગ્‍સ લેતી નથી.

 

(11:18 am IST)