Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કોવેકસીન ૧૨ મહીનામાં જયારે કોવીશીલ્‍ડ ૯ મહિનામાં થઇ જાય છે એકસપાયર

સપ્‍ટેમ્‍બરમાં કોરોના રસીના કરોડો ડોઝ થઇ જશે નકામા : સીરમ પાસે ડીસેમ્‍બરમાં ઉત્‍પાદિત ૨૦ કરોડ ડોઝ પડયા છે

મુંબઇ, તા.૧૩: વપરાશ ઓછો થવા અને માંગ ઘટવાના કારણે દેશમાં કોરોના રસીના કરોડો ડોઝ આગામી ૩-૪ મહિનામાં એકસપાયર એટલે કે નકામા થઇ જવાના છે. રસી ઉદ્યોગના સુત્રોએ સંકેત આપ્‍યો કે રસી વધારે વખત સુધી કારગત રહેવાના પ્રમાણ મળી રહ્યા છે એટલે તેઓ સમયાંતરે ઉપયોગની મુદત વધારવાના પ્રયાસો કરી રહ્યા છે.

ભારત બાયોટેક જેવી કંપનીઓ પોતાનો સ્‍ટોક વેચવા માટે છેલ્લા કેટલાક મહિનાથી ખાનગી હોસ્‍પિટલો સાથે પુરી સક્રિયતાથી કામ કરી રહી છે. કંપનીના એક સુત્રએ કહ્યું, ‘ભારત બાયોટેક છેલ્લા કેટલાક મહિનાથી સ્‍ટોક વેચવા અને એકસપાયર થઇ ચૂકેલ ડોઝની સંખ્‍યા ઘટાડવા માટે ખાનગી હોસ્‍પિટલો સાથે મળીને કામ કરી રહી છે. અમે એકસપાયર થઇ ચૂકેલ ડોઝની જગ્‍યાએ બીજા ડોઝ આપીએ છીએ અને તેમને સ્‍ટોક ખપાવવામાં મદદ કરી રહ્યા છીએ. જો કે કંપનીએ કેટલા ડોઝની મુદત ખતમ થવાની છે તે અંગે કંઇ નથી જણાવ્‍યું.

કોવેકસીનની મુદત ૧૨ મહિના છે જયારે કોવીશીલ્‍ડ ૯ મહીનામાં એકસપાયર થઇ જાય છે. ભારતમાં રસીકરણમાં લગભગ ૮૦ ટકા ડોઝ કોવીશીલ્‍ડના જ લાગ્‍યા છે. પૂણેની સીરમ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ઇન્‍ડિયા પાસે કોવીશીલ્‍ડના લગભગ ૨૦ કરોડ ડોઝ છે જેનુ ઉત્‍પાદન ડીસેમ્‍બરમાં થયુ હતુ અને સપ્‍ટેમ્‍બરમાં એકસપાયર થવાના છે આ ડોઝને ખપાવવાની યોજના સફળ નહીં રહે તો કંપનીએ તેનો નાશ કરવો પડશે.

ફકત કંપનીઓ પાસે જ નહીં, રાજયો પાસે પણ મોટી માત્રામાં રહેલ ડોઝ એકસપાયર થવાના આરે છે. મહારાષ્‍ટ્રનો દાખલો લઇએ તો તેની પાસે ૩૪ લાખ ડોઝ પડયા છે જે ઓગષ્‍ટમાં એકસપાયર થઇ જશે. રાજયના રસીકરણ અધિકારી સચિન દેસાઇએ કહ્યુ કે અમે આ સ્‍ટોકનો ઉપયોગ કરી નાખશુ કેમ કે રસીકરણની ગતી વધી છે. તેમણે દાવો કર્યો કે અમે છેલ્લા ૧૦ દિવસથી રોજ સરેરાશ લગભગ ૧ લાખ ડોઝ લગાવી રહ્યા છે જે પહેલા ૬૦ હજાર આસપાસ લાગતા હતા. અમે એકસપાયરી પહેલા સ્‍ટોક ખતમ કરી દેશું.

 

(1:07 pm IST)