Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

મહિલાઓને સેલરી મામલે ગૂગલ ૯૨૩ કરોડ આપવા માટે તૈયાર

સમાન વેતનના કેસને ઉકેલવા ગૂગલની સંમતી : કંપની પર ૨૦૧૭માં ૪ મહિલાઓએ કેસ નોંધાવ્યો હતો

 કેલિફોર્નિયા, તા.૧૩ : દુનિયાની દિગ્ગજ ટેક કંપની ગૂગલે જેન્ડર ડિસ્ક્રિમિનેશન અને સમાન વેતન પર લાંબા સમયથી ચાલી રહેલા કેસને ઉકેલવા માટે સંમતિ વ્યક્ત કરી છે. ગૂગલ પર ૧૫,૫૦૦ મહિલા કર્મચારીઓની સાથે જેન્ડર ડિસ્ક્રિમિનેશન કરવાના કારણે ૧૧૮ મિલિયન ડોલર (લગભગ ૯૨૩ કરોડ રૂપિયા) નો દંડ ફટકારાયો હતો. પુરૂષોની તુલનામાં મહિલાઓને ઓછી સેલેરી આપવાના મામલે કેસ નોંધાયા બાદ હવે ગૂગલે ૧૧૮ મિલિયન ડોલર આપવા માટે તૈયાર થઈ ગયુ છે.

કંપની પર વર્ષ ૨૦૧૭માં ચાર મહિલાઓએ કેસ નોંધાવ્યો હતો જેમાં તેમને પુરૂષોની તુલનામાં ઓછી સેલેરી આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ હતો. જે કેલિફોર્નિયા ઈક્વલ પે એક્ટનુ ઉલ્લંઘન હતુ. એટલુ જ નહીં ગૂગલ વિરુદ્ધ ફરિયાદમાં કહેવામાં આવ્યુ હતુ કે મહિલાઓને ઓછી સેલરી પેકેજમાં નિયુક્ત કરવામાં આવે છે, જેના કારણે મહિલાઓને પુરૂષોની તુલનામાં ઓછી સેલરી અને બોનસ મળે છે.

આ ચાર મહિલાઓમાં ગૂગલની પૂર્વ કર્મચારી કેલી એલિસ, હોલી પીજ, કેલી વિસુરી અને હેઈડી લેમર સામેલ છે. ક્લાસ એક્શન સ્ટેટસ એટલે કે સામૂહિક કાર્યવાહી મળ્યા બાદ ૨૦૧૩થી ગૂગલમાં કામ કરી રહેલી ૧૫,૫૦૦ મહિલા કર્મચારી આ કેસનો ભાગ બની ચૂકી છે. પહેલા ગૂગલે આ તમામ આરોપોને ફગાવ્યા હતા, પરંતુ હવે આ મામલે તે ૧૧૮ મિલિયન ડોલર આપવા માટે રાજી થઈ ગયુ છે.

આ સમગ્ર કેસની સુનાવણી કરી રહેલા જજે કહ્યુ કે મહિલાઓને તેમની ચૂકવવાપાત્ર રકમને ૨૧ જૂન સુધી પૂરી કરવામાં આવે. આ કેસ છેલ્લા ૫ વર્ષથી ચાલી રહ્યો છે.

આ પહેલીવાર નથી કે જ્યારે ગૂગલ વિરુદ્ધ આ પ્રકારનો કેસ નોંધાયો છે. અગાઉ કંપની પર એક મહિલા એન્જિનિયરે ઓછી સેલરી આપવાનો કેસ નોંધ્યો હતો. જે કારણથી ત્યારે ગૂગલે ૨.૫ મિલિયન ડોલરનુ સમાધાન કરવુ પડ્યુ હતુ.

 

(8:03 pm IST)