Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

હિંસા મામલે આરોપીઓની પ્રોપર્ટી સીલ કરવાની શરૂઆત

યુપીમાં હિંસાની ઘટનાઓને પગલે પોલીસ એક્શનમાં : કાનપુરમાં ૩ જૂનના રોજ ભડકેલી હિંસા મામલે કેટલાક મકાનો ઉપર બુલડોઝર ચલાવીને તેને જમીનદોસ્ત કરાયા

કાનપુર, તા.૧૩ : ઉત્તરપ્રદેશમાં પાછલા દિવસોમાં થયેલી હિંસાની ઘટનાઓને પગલે પોલીસ તંત્ર એક્શનમાં છે. ક્યાંક આરોપીઓના માથા ઉપરથી છત હટાવવામાં આવી રહી છે તો ક્યાંક મિલકતો ઉપર સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કાનપુરમાં ૩ જૂનના રોજ ભડકેલી હિંસાના મામલે વહીવટી તંત્રની કામગીરી ચાલું જ છે. કાનપુરના વહીવટી તંત્રે ૩ જૂનના રોજ થયેલી હિંસાના આરોપીઓની પ્રોપર્ટી સીલ કરવાની શરૂઆત કરી દીધી છે. ઉપરાંત કેટલાક મકાનો ઉપર બુલડોઝર ચલાવીને તેને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે.

પયગંબર અંગેના નુપુર શર્માના નિવેદનના કારણે ગત ૩ જૂનના રોજ કાનપુરમાં ભડકેલી હિંસાના કેસમાં ૩ પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે. કાનપુરના જોઈન્ટ કમિશ્નર આનંદ કુમાર તિવારીએ આ અંગે જણાવ્યું હતું કે, આ કાર્યવાહી અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવી છે.

કાનપુરના ડેવલપમેન્ટ ઓથોરિટીના વાઈસ ચેરમેન અરવિંદ સિંહે જણાવ્યું હતું કે, ક્લીયરન્સ મેળવ્યા વગર બનાવવામાં આવેલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે. તેમના કહેવા પ્રમાણે હાજી વાસી, શાબી સલીમ અને એચએસ મલિકની ક્લીયરન્સ મેળવ્યા વગર બનાવવામાં આવેલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે. સીલ કરવામાં આવેલી પ્રોપર્ટીની દેખરેખની જવાબદારી જે-તે વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનનાં પોલીસ ઈન્ચાર્જને સોંપવામાં આવી છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, પોલીસ કમિશ્નરે તમામ સ્ટેશન ઈન્ચાર્જને સૂચના આપવા જણાવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ સીલ કરાયેલી પ્રોપર્ટી ઉપર બાંધકામ કરવાનો પ્રયત્ન કરે તો તેની સામે કેસ દાખલ કરીને આકરી કાર્યવાહી કરવામાં આવે.

યોગી આદિત્યનાથ દ્વારા કાયદા-વ્યવસ્થાની સમીક્ષા માટે યોજવામાં આવેલી બેઠકના એક દિવસ પછી ડેવલપમેન્ટ ઓથોરિટી તરફથી આ કામગીરી કરવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સૂચના આપી છે કે, હિંસાના આરોપીઓ સામે આકરો સંદેશ જાય તેવી કાર્યવાહી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, કાનપુરમાં ગત ૩ જૂનના રોજ નુપુર શર્માના નિવેદનના વિરોધમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. તે દરમિયાન આંદોલનકર્તાઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી અને પેટ્રોલ બોમ્બ પણ વરસાવવામાં આવ્યા હતા. હિંસા બાદ વહીવટી તંત્રે બુલડોઝર પણ ચલાવ્યું હતું. કાનપુરની ૩ જૂનની ઘટના બાદ ૧૦ જૂનના રોજ પણ અનેક શહેરોમાં આંદોલનકર્તાઓ રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા અને ત્યારે પણ હિંસક ઘટનાઓ બની હતી.

 

(8:05 pm IST)