Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

ઝારખંડના ગિરિડીહમાં બે સમુદાય વચ્ચે અથડામણ

બાઈક પાડી દેવાના મુદ્દે બે જૂથો સામ-સામે આવ્યા : પથ્થરમારામાં લગભગ ૨૦ થી ૨૫ ઉપદ્રવી સામેલ હતા, બંને તરફથી લોકોના ઈજાગ્રસ્ત થવાની વાત સામે આવી

રાંચી, તા.૧૩ : ગિરિડીહ જિલ્લાના પચંબા વિસ્તારના હટિયા રોડ નજીક રવિવારે મોડી રાતે લગભગ ૯ વાગે અચાનક બે સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તણાવ વધી ગયો છે અને બે સમુદાયો વચ્ચે ખૂબ પથ્થરમારો શરૂ થઈ ગયો. આ પથ્થરમારામાં બંને તરફથી લગભગ ૨૦ થી ૨૫ ઉપદ્રવી સામેલ હતા. જેમાં બંને તરફથી લોકોના ઈજાગ્રસ્ત થવાની વાત સામે આવી છે.

પથ્થરમારો શરૂ થતા જ ધડાધડ દુકાનોના શટર પડવા લાગ્યા, રસ્તા પર સન્નાટો છવાઈ ગયો. ઘટનાની જાણકારી મળતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત થઈ ગઈ હતી જેથી કોઈ પણ પરિસ્થિતિમાંથી ઉકેલ મેળવી શકાય. વિવાદની શરૂઆત બાઈક પડવાના મુદ્દે થઈ કે પાર્કિંગને મુદ્દે, એ હજુ સ્પષ્ટ નથી. કેટલાક લોકોનુ કહેવુ છે કે કેસ છેડતીનો હતો.

એક યુવકે એક અન્ય સમુદાયની દુકાન નજીક પોતાની બાઈક ઉભી રાખી હતી જેને કોઈએ ધક્કો મારીને જાણીજોઈને પાડી દીધી. આ મુદ્દે ત્યાં હાજર વ્યક્તિ અને બાઈકવાળામાં સંઘર્ષ શરૂ થઈ ગયો. જોત-જોતામાં બંને તરફથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. જોકે હાલ સ્થિતિ કાબૂમાં છે. ડીએસપીએ કહ્યુ કે અત્યાર સુધી જે જાણકારી મળી, તે અનુસાર બાઈક પાડવાને લઈને વિવાદ થયો હતો. જે બાદ બે સમુદાયોની વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો. પોલીસ ઉપદ્રવીઓને પકડવા માટે શોધખોળ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઝારખંડના રાંચીમાં શુક્રવારે ૧૦ જૂને થયેલા હોબાળા બાદ રવિવારે ૧૨ વિસ્તારોમાં કલમ ૧૪૪ લાગુ કરાઈ હતી. હવે પરિસ્થિતિ સમગ્ર રીતે નિયંત્રણમાં છે. આ દિવસે થયેલી હિંસાની ઘટના બાદ હવે ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થવા લાગી છે. સ્થિતિમાં સુધારને જોતા જિલ્લા વહીવટીતંત્રએ ઢીલ આપતા શહેરના છ વિસ્તારમાંથી પ્રતિબંધ હટાવી દેવાયા છે. જોકે સંવેદનશીલ વિસ્તાર ગણાતા રાંચીના હિંદપીઢી, ડેલી માર્કેટ, કોતવાલી, લોઅર બજાર, ચુટિયા અને ડોરંડામાં હવે માત્ર ૧૪૪ લાગુ રહેશે.

(8:06 pm IST)