Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનને કથિત મની લોન્ડરિંગ કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા

30 મેના રોજ કથિત મની લોન્ડરિંગના કેસમાં EDએ સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી

નવી દિલ્હી : કથિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને મંત્રી સત્યેન્દ્ર જૈનને રાઉઝ એવન્યુ કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. સત્યેન્દ્ર જૈન આજે એટલે કે 13 જૂન સુધી EDની કસ્ટડીમાં હતા. 30 મેના રોજ કથિત મની લોન્ડરિંગના કેસમાં ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ 31 મેના રોજ ટ્રાયલ કોર્ટે સત્યેન્દ્ર જૈનને ED કસ્ટડીમાં મોકલી દીધો હતો.

રાઉઝ એવન્યુ કોર્ટે અગાઉ કથિત મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડીને 13 જૂન સુધી ચાર દિવસ વધારી દીધી હતી. EDએ અરજીમાં તેની કસ્ટડી વધારવાની વિનંતી કરી હતી. ઈડીએ 30 મેના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની ફોજદારી કલમો હેઠળ જૈન (57)ની ધરપકડ કરી હતી.

(8:25 pm IST)