Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

કાલે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્ર્ના પ્રવાસે : આશરે 4 મહિના બાદ એકસાથે જોવાશે CM અને પીએમ

મુંબઈમાં રાજભવન ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે રિવોલ્યુશનરી ગેલેરીનું ઉદ્ઘાટન : કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહેશે

વડાપ્રધાન મોદી અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે કાલે એક મંચ પર દેખાવાના છે.કાલે મુંબઈમાં રાજભવન ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે રિવોલ્યુશનરી ગેલેરીનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહેવાના છે. પીએમ મોદી મંગળવારે મહારાષ્ટ્રના એક દિવસીય પ્રવાસ પર આવી રહ્યા છે. આ પ્રવાસમાં ફરી એકવાર PM અને CM મુંબઈમાં સ્ટેજ શેર કરવાનો સંયોગ છે. પીએમ મોદી તેમની મહારાષ્ટ્ર મુલાકાતમાં પૂણે નજીક દેહુ પણ જશે. અહીં તેમના હસ્તે સંત તુકારામની મૂર્તિ અને મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે.

એપ્રિલ મહિનામાં પીએમ  મોદીએ લતા મંગેશકર ફાઉન્ડેશન એવોર્ડ મેળવવા માટે મુંબઈની મુલાકાત લીધી હતી. તે સમયે કાર્યક્રમના આમંત્રણ પત્રિકામાં સીએમ ઉદ્ધવ ઠાકરેનું નામ નહોતું. જેના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કાર્યક્રમમાં જવાનું મોકૂફ રાખ્યું હતું. હવે મુંબઈમાં રાજભવનમાં રિવોલ્યુશનરી ગેલેરીનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.કાલે સાંજે 4 વાગ્યે પીએમ મોદીના હસ્તે આ ગેલેરીનું ઉદ્ઘાટન થવાનું છે. આ કારણોસર પીએમ મોદી મહારાષ્ટ્રના તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન મુંબઈમાં થોડો સમય વિતાવશે. આ કાર્યક્રમમાં સીએમ ઉદ્ધવ ઠાકરે પણ ખાસ મહેમાન તરીકે હાજર રહેશે.

મંગળવારે વડાપ્રધાન મોદીનો પહેલો કાર્યક્રમ પૂણેના દેહુમાં સંત તુકારામની પ્રતિમા અને શિલા મંદિરને અર્પણ કરવાનો છે. જે બાદ તેઓ મુંબઈ જવા રવાના થશે. જે સમયે સી વિદ્યાસાગર રાવ મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા, તે સમયે રાજભવનમાં એક ભોંયરું હોવાનું જાણવા મળ્યું હતું. આ જ ભોંયરામાં એક ગેલેરી તૈયાર કરવામાં આવી છે. આ ગેલેરીને ‘રિવોલ્યુશનરી ગેલેરી’ નામ આપવામાં આવ્યું છે. આ ગેલેરીમાં ચાપેકર ભાઈઓ અને સાવરકર ભાઈઓના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ ગેલેરીનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની હાજરી અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી પુષ્ટિ કરવામાં આવી છે કે આ કાર્યક્રમમાં સીએમ ઉદ્ધવ ઠાકરે હાજર રહેશે. આ રીતે લાંબા સમય બાદ સીએમ અને પીએમ એક જ કાર્યક્રમમાં સાથે જોવા મળી શકે છે.

(9:09 pm IST)