Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ઋષિકેશ : મહિલાઓને 'હિપ્ટોનાઇઝ' કરી લાખોની ઠગી કરનાર બાબો ઝડપાયો

માનસિક રીતે ત્રસ્ત મહિલાને સમ્મોહિત કરી સાજા કરવાના બહાને લાખો રૂપિયાની ઠગી કરી

દહેરાદૂન તા. ૧૩ : ઋષિકેશમાં પોલીસ એ મહિલાઓને સમ્મોહિત કરી ઠગી કરનારા બાબા યોગી પ્રિયવ્રત અનિમેષની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ, ઋષિકેશના એક વેપારીએ બાબા વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં વેપારીએ કહ્યું હતું કે, તેની પત્નીને થોડીક માનસિક સમસ્યા છે. તેનો ફાયદો ઉઠાવીને યોગી પ્રિયવ્રત અનિમેશે પત્નીને સમ્મોહિત કરીને પોતાના વશમાં કરી દીધી.

ત્યારબાદ બાબા યોગી પ્રિયવ્રત અનિમેષે આધ્યાત્મિક સારવાર કરવાના બહાને અનેકવાર પોતાના નિવાસસ્થાને બોલાવી દવાઓ પણ આપી. સાથોસાથ સમ્મોહિત કરી યોગી પ્રિયવ્રત અનિમેષે પત્ની સાથે અલગ-અલગ દિવસે ડિસેમ્બર ૨૦૧૯થી અત્યાર સુધી એક રૂદ્રાક્ષની માળા, સોનાનો બ્રેસલેટ, રૂદ્રાક્ષ બ્રેસલેટ, સોનાની માળા, સોનાની ૪ અંગૂઠી, તુલસીની માળા અને કેટલાક રોકડા રૂપિયા ઠગી દીધા. આ ફરિયાદના આધારે પોલીસે કલમ ૩૨૩, ૩૮૬, ૪૦૫, ૫૦૬ અને કલમ ૪૨૦ હેઠળ કેસ નોંધી આરોપી બાબાની ધરપકડ કરી છે.

બીજી તરફ, મળતી માહિતી મુજબ, બાબાની વિરૂદ્ઘ હરિયાણા રાજયમાં ૩ કેસ નોધાયેલા છે. આ તમામ કેસોની જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે. બીજા રાજયોમાં બાબાના પરાક્રમો વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત, આરોપી બાબાની પાસેથી પોલીસે ચાર સોનાની અંગૂઠી, સોનાની મોટી માળા સહિત સોનાના અનેક આભૂષણ જપ્ત કર્યા છે જેની કિંમત લગભગ ૯ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ મામલામાં એસએસપી યોગેન્દ્ર રાવતનું કહેવું છે કે, વેપારી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર તપાસ કર્યા બાદ જ બાબાની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ બાબાના અન્ય રાજયોમાં સ્થિત ઠેકાણાઓ ઉપર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બાબા યોગી પ્રિયવ્રત અનિમેષના અપરાધિક ઈતિહાસ વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ઉત્તરાખંડમાં પોતાના ભકતો સાથે ઠગી કરનારો આ પહેલો બાબા નથી. આ પહેલા પણ અનેક બાબાઓના નામ સામે આવી ચૂકયા છે.

(10:16 am IST)