Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

આઇએમએની રાજ્યોને અપીલ

લોકોને ટોળે વળતા અટકાવો, નહીં તો ત્રીજી લહેર આવશે

નવી દિલ્હી તા. ૧૩ : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૩૭,૧૫૪ કેસ સામે આવ્યા છે. જે સાથે જ વધુ ૭૨૪ લોકોના કોરોનાને કારણે મોત નિપજયા છે અને કુલ મૃત્યુઆંક વધીને ૪૦૮૭૬૪એ પહોંચ્યો છે.

એકિટવ કેસ પણ ઘટીને ૪.૫૦ લાખે આવી ગયા છે. બીજી તરફ રિકવરી રેટ વધીને ૯૭.૨૨ ટકાએ આવી ગયો છે. ઇન્ડિયન મેડિકલ અસોસિએશને લોકોને ટોળે ન વળવાની સલાહ આપી છે, સાથે જ નિયમોના યોગ્ય પાલન માટે રાજયોને કહ્યંુ છે.

કેન્દ્ર સરકારે પણ ચિંતા વ્યકત કરતા કહ્યું છે કે પર્યટન સ્થળો, માર્કેટ વગેરે સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થવા લાગ્યા છે. આ પ્રકારની ભીડથી જ કોરોનાની ત્રીજી લહેર આવવાની શકયતાઓ વધુ રહેલી છે.

ઇન્ડિયન મેડિકલ અસોસિએશને કહ્યું હતું કે તહેવારો, ધાર્મિક કાર્યક્રમ, પર્યટન સૃથળો વગેરે મહત્વના છે પણ હાલ જે રીતે લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે તેઓને કારણે પણ કોરોનાની ત્રીજી લહેર દેશમાં આવી શકે છે અને તેઓ સુપર સ્પ્રેડર બની શકે છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશને દરેક રાજયોને અપીલ કરી છે કે તે તાત્કાલીક જાહેર કાર્યક્રમમોમાં એકઠા થવા પર કાબુ મેળવી લે નહીં તો ત્રીજી લહેર આવી શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે દેશના દરેક હોસ્પિટલોમાં કોરોના જેવી મહામારી સામે પહોંચી વળવા જરૂરી બધી સુવિધા પર સરકાર કામ કરી રહી છે. અને આ માટે આગામી છ મહિનામાં આ સુવીધાઓને પુરી પાડવામાં આવશે.

સાથે સ્વાસ્થ્યમંત્રીએ એમ પણ કહ્યુ હતું કે સરકારે ઇમર્જન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે ૨૫ હજાર કરોડના પેકેજને પણ મંજૂરી આપી છે. દરેક જિલ્લામાં ઇમર્જન્સી સમયે ઉપયોગી ઓકિસજન જેવી સુવિધાઓ ઉભી કરાશે.

સરકાર રસીકરણ અભિયાન ચલાવી રહી છે અને લોકોને રસી લેવા પ્રોત્સાહિત કરી રહી છે. બીજી તરફ દૈનિક રસીના ડોઝ અપાઇ રહ્યા છે તેની સંખ્યામાં ૨૧મી જુન પછી ઘટાડો જોવા મળ્યો હતો. ૨૧થી ૨૭ જુન દરમિયાન દૈનિક સરેરાશ ૬૧ લાખ જેટલા ડોઝ અપાયા હતા, જે બાદમાં ૪૧ લાખ પર આવી ગયા હતા.

(10:16 am IST)