Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

તમિલનાડૂના વિદ્યાર્થીએ બનાવી દોઢ રૂપિયામાં ૫૦ કિમી ચાલતી સાઇકલ

મદુરાઇમાં રહેતા વિદ્યાર્થી ધનુષ કુમારે સોલર પાવરથી ચાલતી સાઇકલ બનાવી છે. જેનો ખર્ચ પેટ્રોલની સરખામણીએ લગભગ શૂન્‍ય સમાન છે : આ સાઇકલને ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પણ ભગાવી શકાય છે : ડિસ્‍ચાર્જ થયા પછી પણ સાઇકલ ચાલક ૨૦ કિમીનું અંતર કાપી શકે એમ છે

ચેન્નઇ,તા.૧૩: વૈશ્વિક કોરોના મહામરી વચ્‍ચે દેશમાં પેટ્રોલના ભાવમાં ધરખમ વધારો કરવામાં આવી રહ્યો છે. દેશના અનેક મુખ્‍ય શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરનો ભાવ પાર કરી ગયું છે. એવામાં આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ક્રૂડ ઓઇલના ભાવ સતત વધતા જોવા મળી રહ્યા છે. એ સંકેત આપી રહ્યા છે નજીકના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં દ્યટાડો થશે નહીં.

દેશના અનેક રાજયોમાં પેટ્રોલ ૧૦૦ રુપિયે પ્રતિ લીટરથી વધુ કિંમતે વેચાઇ રહ્યું છે. એવામાં ટુવ્‍હીલર ચલાવનારા સામાન્‍ય વર્ગની તો કમર જ તૂટી ગઇ છે. દેશ સહિત વિશ્વસ્‍તરે પેટ્રોલિયમ પ્રોડક્‍ટના વધી રહેલા ભાવ વચ્‍ચે તમિલનાડૂના મદુરાઇની એક કોલેજના વિદ્યાર્થી ધનુષ કુમારે સોલર પાવર ઇલેક્‍ટ્રોનિક સાઇકલ બનાવી છે. ધનુષ કુમારનું કહેવુ છે કે આ સાઇકલના ઉપયોગથી લોકોને પેટ્રોલના વધતા ભાવ સામે રાહત મળી શકે એવી આશા છે.

ધનુષ કુમારે આ સોલર સાઇકલ ૨૪ વોલ્‍ટ અને ૨૬ એમ્‍પિયરની બેટરીથી બનાવી છે. એકવાર ચાર્જ થયા પછી આ સાઇકલ ૫૦ કિમી સુધી ચાલી શકે છે. આ સાઇકલમાં સોલર પેનલ લાગેલી છે જેની મદદથી બેટરી ચાર્જ થાય છે. આ સાઇકલની ખાસિયત એ છે કે બેટરી ડિસ્‍ચાર્જ થાય તો પણ સાઇકલ સવાર ૨૦ કિમીનો સફર કરી શકે છે. ધનુષનું કહેવુ છે કે આ મોંઘવારીના સમયમાં આ વિકલ્‍પ લોકો માટે ઉપયોગી સાબિત થઇ શકે છે.

ધનુષ તમિલનાડૂના નાના શહેર મદુરાઇનો રહેવાસી છે. ધનુષે જાતે જ આ સાઇકલની ડિઝાઇન તૈયાર કરી છે. ધનુષનું માનવું છે કે મદુરાઇ જેવા નાના શહેર માટે આ સાઇકલ એક આદર્શ વિકલ્‍પ છે. સોલર પાવરથી ચાલતી આ સાઇકલને ૪૦ કિમી પ્રતિ કલાકની સ્‍પીડે ચલાવી શકાય છે. ઓછા અંતરના રસ્‍તા કાપનારા લોકો માટે સોલર પાવરથી ચાલતી સાઇકલ સારામાં સારો વિકલ્‍પ બની શકે છે.

સોલર સાઇકલના ખર્ચ વિશે જણાવતાં ધનુષે કહ્યું કે, આ સાઇકલ જેટલા પ્રમાણમાં વીજળીનો ઉપયોગ કરે છે એની સરખામણીએ ખર્ચ દ્યણો ઓછો છે. પેટ્રોલની સરખામણીએ તેનો ખર્ચ લગભગ શૂન્‍ય છે. કારણ કે માત્ર ૧.૫૦ રુપિયાના ખર્ચે આ સોલર સાઇકલ ૫૦ કિમી ચાલે છે.

(10:28 am IST)