Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કંકોત્રી જોઈને સગાવહાલા બોલવા લાગ્યા ‘Love Jihad’, પરિવારને રદ કરવા પડ્યા વ્હાલી દીકરીના લગ્ન

દિવ્યાંગ યુવતી અને તેના મુસ્લિમ દોસ્તે પરિવારની મંજૂરીથી લગ્ન કરવાનો નિર્ણય લીધો, વોટ્સએપ પર કંકોત્રી વાયરલ થતા ઊભો થયો વિવાદ

નાસિક, તા.૧૩: મહારાષ્ટ્રના નાસિકમાં રહેતા યુવક-યુવતી લગ્ન કરવા માંગતા હતા. તેઓ બે દિલ, બે પરિવારની સાથે બે ધર્મોને પણ એક કરવા માંગતા હતા, પરંતુ તેમના લગ્નની કંકોત્રીએ તેમનું સપનું તોડી દીધું. મૂળે, ગત સપ્તાહે નાસિકના રહેવાસી પરિવારની ૨૮ વર્ષીય દીકરીના લગ્ન તેના મુસ્લિમ દોસ્ત સાથે હિન્દુ રીતિરિવાજોથી થવાના હતા. પરંતુ યુવતીના સગાસંબંધીઓએ તેના લગ્નની કંકોત્રી જોઈને તેનો વિરોધ કર્યો. તેમણે તેને લવ જેહાદ નામ આપી દીધું. ત્યારબાદ પરિવારને લગ્નનું આયોજન રદ કરી દેવું પડ્યું.

જો કે, આટલું બધું થયા બાદ પણ તેમની કહાણી અહીં ખતમ નથી થઈ. યુવતીના પરિવારે લગ્નનું આયોજન રદ થયા બાદ પણ તેમની પસંદને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. પરિવાર અનુસાર, આ મામલામાં બળજબરીથી લગ્ન જેવી કોઈ બાબત નથી. બંનેના લગ્ન પહેલા જ સ્થાનિક કોર્ટમાં રજિસ્ટર થઈ ચૂકયા છે.

યુવતી રસિકાના પિતા પ્રસાદ અડગાંવકર ઝવેરીનું કામ કરે છે. તેમણે જણાવ્યું કે, રસિકા દિવ્યાંગ છે અને આ કારણે પરિવારે તેના માટે સારો યુવક શોધવામાં પરેશાની થઈ રહી હતી. હાલમાં જ રસિકા અને તેની સાથે અભ્યાસ કરનારા તેના દોસ્ત આસિફ ખાને પોતાની મરજીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બંનેના પરિવાર એક બીજાને વર્ષો ઓળખે છે, એવામાં બંને પરિવાર લગ્ન માટે તૈયાર થઈ ગયા.

રસિકાના પિતાએ જણાવ્યું કે, બંનેના લગ્ન નાસિક કોર્ટમાં બંને પરિવારોની ઉપસ્થિતિમાં રજિસ્ટર્ડ થયા હતા. બંને પરિવાર ૧૮ જુલાઈએ રીતિ રિવાજ મુજબ લગ્ન કરવા માટે રાજી પણ હતા. આ આયોજન નાસિકની એક હોટલમાં નજીકના સગાસંબંધીઓની હાજરીમાં થવાનું હતું.

પરંતુ આ પહેલા જ લગ્નના કાર્ડ તમામ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ ગયું. ત્યારબાદ તેમની પાસે લગ્નનું આયોજન રદ કરવા માટે ફોન કોલ, મેસેજ આવવા લાગ્યા. લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા.

૯ જુલાઈએ તેમને લોકોએ મળવા માટે બોલાવ્યા હતા. ત્યાં તેમને કહેવામાં આવ્યું કે તેઓ આ આયોજનને રદ કરી દે. પરિવારના એક સભ્યએ જણાવ્યું કે, અમારો સમુદાય અને અન્ય લોકો તરફથી અમારી પર દબાણ ઊભું કરવામાં આવ્યું. ત્યારબાદ અમે લગ્નનું આયોજન રદ કરવાનો નિર્ણય લીધો.

(3:49 pm IST)