Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કેસ વધતા ચિંતાના વાદળો

મહારાષ્ટ્ર - કેરળમાં ત્રીજી લહેરના ટકોરા

દેશના ૫૨ ટકા દર્દીઓ આ બે રાજ્યના

નવી દિલ્હી તા. ૧૩ : દેશમાં બીજા રાજયોમાં કોરોનાની બીજી લહેરનુ જોર ઘટી ગયુ છે પણ કેરાલા અને મહારાષ્ટ્રની સ્થિતિ હજી પણ ચિંતાજનક છે.હવે તો આ બે રાજયોના કારણે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે તેવી આશંકા ઉભી થઈ છે.

કેરળમાં છેલ્લા દસ દિવસથી કેરળમાં રોજના ૧૦૦૦૦ કરતા વધારે કોરોનાના નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. કેરળની સ્થિતિમાં સુધાર કરવા માટે કેન્દ્ર સરકારે પાંચ સભ્યોની ટીમ કેરાલા મોકલી છે. કેરળમાં જે રોજના કેસ સામે આવી રહ્યા છે તે પીક સમયના મુકાબલે ૩૩ ટકા છે પણ આમ છતા રોજના ૧૦૦૦૦ કરતા વધારે કેસ આવવા ચિંતાજનક બાબત છે. કેરળમાં પોઝિટિવીટી રેશિયો પણ ૧૦ ટકા કરતા વધારે છે.કોઈ પણ રાજયમાં સ્થિતિ કંટ્રોલમાં હોવાનુ ત્યારે મનાય છે જયારે રાજયમાં પોઝિટિવીટી રેશિયો ૫ ટકાથી ઓછો હોય. કેરળનો સંક્રમણ દર પણ ૧.૧ છે. જે સંક્રમણ લાગવાની શકયતા વધારે છે તેવુ દર્શાવે છે.દેશમાં જયારે કોરોના પીક પર હતો ત્યારે સંક્રમણ દર ૧.૩૭ હતો.

મહારાષ્ટ્રની સ્થિતિ પણ ખરાબ છે.અહીંયા સંક્રમણ દર ૧ની આસપાસ છે. કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.વી કે પોલના કહેવા પ્રમાણે મહારાષ્ટ્રમાં હજી બેઝ લાઈનને ટચ કરવામાં સફળતા મળી નથી. બેઝ લાઈનનો મતલબ રોજના ૧૦૦૦૦ કરતા ઓછા કેસ થાય છે અને આ સ્થિતિ સતત ત્રણ સપ્તાહ સુધી બની રહેવી જોઈએ.

હાલમાં દેશના ૬૦ ટકા કેસ આ બે રાજયોમાં નોંધાઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે, બંને રાજયોમાં હાલની સ્થિતિ યોગ્ય નથી. આમ આ બે રાજયોના કારણે દેશમાં ફરી કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે તેવી આશંકાથી ઈનકાર કરી શકાય તેમ નથી.

(3:50 pm IST)