Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

૧૯૮૩ના વર્લ્ડકપના હિરો યશપાલ શર્માનું હૃદયરોગના હુમલાથી નિધનઃ ક્રિકેટ જગતમાં શોકની લહેર

કપિલ દેવ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા કહ્યું રેસ્ટ ઈન પીસ... લવ યુ યશ...

નવીદિલ્હીઃ પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું ૬૬ વર્ષની વયે નિધન થયું છે. તેઓ ૧૯૮૩માં ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર ટીમના સભ્ય હતા. બાદમાં તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં સિલેકટર પણ રહ્યા. શર્માના નિધન પર તેમની સાથી અને ૮૩વાળી ટીમના કેપ્ટન કપિલ દેવ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા.

કપિલ દેવે કહ્યું કે મને તો હજી પણ લાગી રહ્યું છે કે આ સાચું નથી. મને કંઇ સમજાતું જ નથી હજી તો અમે થોડાંક સપ્તાહ પહેલાં જ મળ્યા હતા અને ખૂબ જ સારા સ્વભાવના હતા. ભગવાનની જે મરજી હોય તેની સાથે આપણે લડી શકતા નથી. હાં ભગવાનને આજે પૂછીશું ચોક્કસ કે આવું ના કરો.

ખૂબ જ અજીબ લાગી રહ્યું છે. હું મારી જાતને સંભાળી શકું તેમ નથી. ફ્લાઇટમાં સીધો દિલ્હી જઇ રહ્યો છું. બસ એટલું જ કહીશ રેસ્ટ ઇન પીસ વી લવ યુ યશ!

૩૭ ટેસ્ટ અને ૪૨ વનડે મેચ રમનાર યશપાલ ૧૯૮૩ વર્લ્ડકપમાં ભારતની તરફથી સૌથી વધુ રન બનાવનારમાં બીજા નંબર પર હતા. થોડાંક દિવસ પહેલાં જ તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વર્લ્ડ કપની એક કિલપ પણ શેર કરી હતી જેમાં તેમણે ઇંગ્લેન્ડની સામે મેચમા શાનદાર જીતની યાદ અપાવી હતી.

૧૯૮૩ વર્લ્ડ કપના હીરો હતા શર્મા

પૂર્વ ક્રિકેટર દિલીપ વેંગસરકરે કહ્યું કે તેમને સમજાતું નથી કે કેવી પ્રતિક્રિય આપે. વેંગસરકરે કહ્યું કે થોડાંક સપ્તાહ પહેલાં જ યશપાલને મળ્યા હતા અને તેઓ ઘણા ફિટ દેખાતા હતા. તેમણે કહ્યું કે આવો અકસ્માત સર્જાશે કયારેય વિચાર્યું નહોતું. વેંગસરકર અને યશપાલ ઘણી ક્રિકેટમાં સાથે રમ્યા છે.

(3:53 pm IST)