Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ભારતની પ્રથમ કોરોના દર્દી ફરીવાર સંક્રમિત : દોઢ વર્ષ બાદ યુવતીનો ફરી રીપોર્ટ પોઝીટીવ

આ વિદ્યાર્થીનીને દોઢ વર્ષ પછી ફરીથી કોરોના વાયરસનો ચેપ લાગ્યો

ભારતમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ તબીબી શિક્ષણની વિદ્યાર્થીનીનો હતો. આ વિદ્યાર્થીની ગત વર્ષે જાન્યુઆરીમાં ચીનના વુહાનથી કેરળમાં તેના વતન થ્રિસુર આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓએ 13 જુલાઈને મંગળવારે જણાવ્યું હતું કે, આ વિદ્યાર્થીનીને દોઢ વર્ષ પછી ફરીથી કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. થ્રિસુરના ડીએમઓ ડો. કે. જે રીનાએ કહ્યું કે વિદ્યાર્થીનીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. તેનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે અને એન્ટિજેન રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી, કારણ કે આ યુવતીને કોરોનાનો હળવો ચેપ લાગ્યો છે.
કેરળની આ યુવતી 30 જાન્યુઆરી 2020 ના દિવસે પહેલીવાર કોરોના સંક્રમિત થઇ હતી અને તે દેશનો પહેલો કોરોના કેસ બની હતી. 30 જાન્યુઆરી, 2020 ના રોજ ચીનની વુહાન યુનિવર્સિટી તૃતીય વર્ષની આ તબીબી વિદ્યાર્થીની ભારત પરત ફરી હતી ત્યારે તેનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. સેમેસ્ટરની રજાઓ બાદ તે ઘરે પરત ફરી હતી. થ્રીસુર મેડિકલ કોલેજમાં તેમની સારવાર ચાલી હતી અને કોરોના રિપોર્ટ બે વાર નેગેટીવ આવ્યા બાદ 20 ફેબ્રુઆરીના તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

(6:55 pm IST)