Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

પાકિસ્તાને પણ કોહીનુર હીરા માટે દાવો ઠોક્યો

વિશ્વના સૌથી ચર્ચાસ્પદ હીરા પર ફરી જંગ : દુનિયાના સૌથી મોટા હીરામાં સ્થાન પામતા કોહીનૂર હીરો પાછો મેળવવા માટે ભારત પણ પ્રયાસ કરી રહ્યુ છે

લાહોર, તા.૧૩ : દુનિયાના સૌથી ચર્ચાસ્પદ હીરા કોહિનૂર માટે ફરી એક વખત જંગ છેડાયો છે.પાકિસ્તાને પણ હીરા પર દાવો ઠોકયો છે.

પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટમાં એક વકીલે પિટિશન દાખલ કરીને માંગ કરી છે કે, પાકિસ્તાન સરકાર હીરાને બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજા પાસેથી પાછો મેળવે.હાઈકોર્ટે પિટિશન કરનાર વકીલ જાવેદ ઈકબાલને પોતાનો પક્ષ રાખવા માટે કહ્યુ છે.

જાવેદ ઈકબાલે પોતાની પિટિશનમાં ભારપૂર્વક કહ્યુ છે કે, મારી જાણકારી પ્રમાણે ભારત દ્વારા હીરો પાછો મેળવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે.પાકિસ્તાન સરકારે હીરો પાછો લાવવા માટે પ્રયાસ કરવા જોઈએ.બ્રિટનના લોકોએ મહારાજા દિલિપ સિંહ પાસેથી હીરો છીનવી લીધો હતો અને પોતાની સાથે લંડન લઈ ગયા હતા.તેના પર બ્રિટિશ મહારાણીનો કોઈ હક નથી અને તે પંજાબની સાંસ્કૃતિક વિરાસત છે.

ઉલ્લેખનીય છે કે, દુનિયાના સૌથી મોટા હીરામાં સ્થાન પામતા કોહીનૂર હીરો પાછો મેળવવા માટે ભારત પણ પ્રયાસ કરી રહ્યુ છે.હાલમાં હીરો ટાવર ઓફ લંડનમાં મુકાયેલા રાજમુકુટમાં જડવામાં આવેલો છે. હીરો ૧૦૮ કેરેટનો છે.

૨૦૧૦માં તત્કાલીન  બ્રિટિશ પીએમ ડેવિડ કેમરુન ભારત આવ્યા હતા ત્યારે તેમણે કહ્યુ હતુ કે, હીરો જો ભારતને પાછો આપી દેવાયો તો બ્રિટિશ મ્યુઝિમ ખાલી જોવા મળશે.ભારત સરકાર સુપ્રીમ કોર્ટેમાં કહી ચુકી છે કે, બ્રિટિશર્સ હીરો જબરદસ્તી નહોતા લઈ ગયા પણ પંજાબના શાસકો દ્વારા તેને ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ભેટ અપાયો હતો. હીરો પાછો મેળવવામાં ઘણી કાયદાકીય અડચણો છે.કારણકે મામલો આઝાદી પહેલાનો છે.

(7:44 pm IST)