Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

પુત્રના સોગંધ ખાઈ કહો કે મને મત આપ્યો તો લાઈટ નખાવું

ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્યએ પોત પ્રકાશ્યું: ભાજપના વીર વિક્રમસિંહે એક ગ્રામજને તેમના ત્યાં લાઈટ નખાવી આપવા અનુરોધ કરતા અવળો ઉત્તર આપ્યો

લખનૌ, તા.૧૩ : યુપી ભાજપના એક ધારાસભ્યે લાઈટ લગાવી આપવાની માંગ કરનારા એક મતદાર સાથે કરેલી વાતચીતનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

વિડિયો પ્રમાણે ભાજપના ધારાસભ્ય વીર વિક્રમ સિંહે તાજેતરમાં એક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.તેમાં તેઓ પોતાના વિસ્તારમાં થયેલા વિકાસના કામોનો ઉલ્લેખ કરી રહ્યા હતા ત્યારે એક ગ્રામજને તેમને પોતાને ત્યાં લાઈટ લગાવી આપવા માટે અનુરોધ કર્યો હતો.

જેના જવાબમાં ધારાસભ્યે કહ્યુ હતુ કે, તમે ગંગા તરફ હાથ કરીને કે પોતાના પુત્રના સોગંદ ખાઈને કહો કે મને વોટ આપ્યો છે તો આજે તમારા ઘરે લાઈટ લગાવી દઈશું.અપેક્ષા તેની પાસે કરવી જોઈએ જેને તમે કશું આપ્યુ હોય. ત્યારે ગ્રામજને કહ્યુ હતુ કે, હું તો ફરિયાદ કરી રહ્યો છુ ત્યારે ધારાસભ્ય જવાબ આપ્યો હતો કે, ફરિયાદ પણ તેને કરો જેને તમે કશું આપ્યુ હોય.તમે મને મત આપ્યો હોત તો મારી છાતી પર ચઢવાનો તમને અધિકાર હોત, મને મૂરખ બનાવવાનો પ્રયાસ ના કરો.દરેક બૂથ પર કોણે મને મત આપ્યો છે તે મને ખબર છે.મને મત આપ્યો હોત અને મેં લાઈટ ના અપાવી હોત તો તમે મને ફરિયાદ કરી શક્યા હોત.

દરમિયાન ધારાસભ્યે મીડિયાને અંગે કહ્યુ હતુ કે, વ્યક્તિ જે લાઈટ નંખાવવા માંગે છે તેની કિંમત દસ લાખ રુપિયા છે અને તે માત્ર સાર્વજનિક સ્થળોએ લગાવી શકાય છે.

(7:46 pm IST)