Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

ચૂંટણી વિશ્લેષક પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી સાથે બેઠક કરી : પ્રિયંકા ગાંધી, હરીશ રાવત બેઠક માં હાજર

પંજાબને લઈને પાર્ટીમાં કેટલાક મોટા નિર્ણય થઈ શકે છે : આ પહેલા પ્રશાંત કિશોર કેપ્ટન અમરિંદર સિંહ ને મળેલ હતા

નવી દિલ્હી : રાહુલ ગાંધી સાથે ચૂંટણી વિશ્લેષક પ્રશાંત કિશોરે બેઠક કરી હતી. પ્રિયંકા ગાંધી અને પંજાબ પ્રભારી હરીશ રાવત બેઠકમાં હાજર રહ્યા હતા

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે દિલ્હી સ્થિત તેમના ઘરે મુલાકાત કરી હતી. કેટલાક મહિના પહેલા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રશાંત કિશોરને પોતાના મુખ્ય સલાહકાર નિયુક્ત કર્યા હતા અને તે બાદ કિશોરે ધારાસભ્ય અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. માનવામાં આવી રહ્યુ છે કે આજની આ બેઠક પંજાબ ચૂંટણીને લઇને થઇ છે. આ બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે હરીશ રાવત અને કેસી વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા.

જાણકારી અનુસાર, પ્રિયંકા ગાંધીએ લખનઉં જવાનું હતુ પરંતુ તેમનો લખનઉં પ્રવાસ 2 દિવસ માટે ટળી ગયો છે. સુત્રો અનુસાર પંજાબને લઇને પાર્ટીમાં કેટલાક મોટા નિર્ણય થઇ શકે છે. આ પહેલા પ્રશાંત કિશોર કેપ્ટન અમરિંદર સિંહને મળ્યા હતા.

પ્રશાંત કિશોર રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણી રણનીતિ તૈયાર કરે છે. આ પહેલા તે પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મમતા બેનરજીની પાર્ટી ટીએમસી (તૃણમૂલ કોંગ્રેસ) માટે રણનીતિકાર તરીકે કામ કરી રહ્યા હતા. આ તેમની રણનીતિનું જ પરિણામ હતુ કે ટીએમસીને 213 બેઠક મળી હતી જ્યારે ભાજપ 77 બેઠક પર સમેટાઇ ગયુ હતું. મોટાભાગના ચૂંટણી વિશ્લેષક ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કરની ભવિષ્ણવાણી કરી રહ્યા હતા. પ્રશાંત કિશોરે ચૂંટણી પહેલા કહ્યુ હતું કે જો ભાજપની 100થી વધુ બેઠક આવી તો તે પોતાનું કામ છોડી દેશે.

આ પહેલા NCPના પ્રમુખ શરદ પવાર સાથે પણ પ્રશાંત કિશોર કેટલીક વખત મુલાકાત કરી ચુક્યા છે. પ્રશાંત કિશોરની રણનીતિ સફળતા જોતા શરદ પવાર ઇચ્છે છે કે તે તેમની મદદ કરે. ત્યારે એમ કહેવામાં આવતુ હતું કે 2024 ચૂંટણીને લઇને ભાજપ વિરૂદ્ધ મોરચાબંધીની તૈયારી છે.

મહત્વપૂર્ણ છે કે પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ તરફથી તમિલનાડુમાં ડીએમકે ગઠબંધનની જીતમાં મહત્વની ભૂમિકા નીભાવી ચુક્યા છે.

(8:17 pm IST)