Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ખાનગી હોસ્પિટલના ડોક્ટરોને અને કોરોનાની સારવાર કરી રહેલા સ્વાસ્થ્ય કર્મીઓને મળશે 50 લાખ સુધીનું વીમા કવચ

પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ 50 લાખ રૂપિયા સુધીનો લાભ ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહેલા ડોક્ટર્સ અને કોરોના દર્દીઓની સારવાર કરી રહેલા અન્ય સ્વાસ્થ્ય કર્મીઓને પણ મળશે.

બુધવારે સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેયએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ યોજનાનો લાભ એ ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સ, પેરા મેડિકલ કર્મચારીઓને અને તે કર્મચારીઓને પણ મળશે જેમનું કોરોનાના દર્દીઓની સારવાર કરતા અકાળે મૃત્યુ થયું હોય.પરંતુ, આનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચિત ખાનગી હોસ્પિટલોને જ મળશે. હાલ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 120 ખાનગી હોસ્પિટલોને ચિહ્નીત કરવામાં આવ્યા છે.

તેમને વધુમાં જણાવ્યું છે કે કોરોના કાળમાં ભારત સરકારની આ મહત્વાકાંક્ષી વીમા યોજના દ્વારા ખાનગી ક્ષેત્રમાં કાર્યરત આરોગ્યકમર્ચારીઓનો આત્મવિશ્વાસ પણ વધશે અને કોરોના સામે સંઘર્ષમાં તેમનું મનોબળ ઊંચું કરશે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓમાં પ્લાઝ્મા ડૉનેશનને પ્રોત્સાહન મળે તેવા હેતુથી પ્લાઝ્મા ડોનરને પ્રોત્સાહન રૂપે રોકડ રકમ આપવાનો મુખ્યમંત્રી નીતીશ કુમારે નિર્દેશ કર્યો છે.

મુખ્યમંત્રીના નિર્દેશ બાદ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તેની પ્રક્રિયા પૂર્ણ કરી સરકારને મોકલવામાં આવશે. જેને કેબિનેટ કક્ષાએ જલ્દી મંજૂરી મળી જાયે તેવી આશા છે. આનાથી તેમનો ઉત્સાહ વધશે અને પ્લાઝ્મા ડોનેશનની સંખ્યા વધવાની સાથે જરૂરિયાત વાળા લોકોને પણ તેનો લાભ થશે.

તેમણે વધુમાં જણાવ્યું કે ટૂંક સમયમાં પટનાની જયપ્રભા હોસ્પિટલ અને ભાગલપુરની જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં પ્લાઝ્મા લેવાની કામગીરી શરૂ કરવામાં આવશે. તેના માટે બંને સંસ્થાનોમાં એપરહેસીસ મશીન લગાવવામાં આવી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે હવે, બ્લોક કક્ષાએ હોસ્પિટલોમાં નિ:શુલ્ક કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ જિલ્લામાં સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પરથી આમ જનતા કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકે છે અને આપી શકે છે જેથી તુરંત કાર્યવાહી કરી શકાય.

(1:23 pm IST)