Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

UP : સૈફઇમાં અખિલેશ યાદવ બનાવડાવશે કૃષ્ણની વિરાટ પ્રતિમા : જન્માષ્ટમી નિમિત્તે અખિલેશે ઇન્સ્ટાગ્રામ કરી જાહેરાત

ભાજપે અયોધ્યામાં રામ મંદિરનું  ભૂમિપૂજન કર્યું, હવે ભવ્ય મંદિરનું નિર્માણ થશે, ત્યારે બીજી તરફ સપાના અખિલેશ યાદવે બુધવારે જાહેર કર્યું કે હું ભગવાન કૃષ્ણની વિરાટ પ્રતિમાની સ્થાપના કરીશ. અત્યાર અગાઉ અખિલેશ યાદવ અને બસપાના માયાવતીએ બ્રાહ્મણ મતદારોને રીઝવવા પરશુરામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે અખિલેશે પરશુરામને બદલે ભગવાન કૃષ્ણ પર પસંદગી ઊતારી હતી.

બુધવારે જન્માષ્ટમી નિમિત્તે અખિલેશે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર રજૂ કરી હતી. આ તસવીરમાં એ પોતાની પત્ની ડિમ્પલ સાથે નજરે પડે છે અને આ બંને ભગવાન કૃષ્ણની એક વિરાટ મૂર્તિ નિહાળી રહ્યાં હોય એવું દ્રશ્ય છે. અખિલેશ પોતાના પૈતૃક ગામ સૈફઇમાં આ પ્રતિમા બનાવડાવી રહ્યા હતા. અખિલેશે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં લખ્યું. ‘ જય કાન્હા, જય કુંજબિહારી, જય નંદ દુલારે જય બનવારી, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સૌને અનંત શુભકામનાઓ…’

રાજકીય નિરીક્ષકો માને છે કે રામ મંદિરનું ભૂમિ પૂજન થઇ ચૂક્યું હોવાથી 2022માં આવી રહેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એક જોરદાર મુદ્દો મળી ગયો હતો. એટલે અન્ય પક્ષોએ કંઇક ખાસ કરી બતાવવું પડે. પહેલાં માયાવતીની જેમ અખિલેશે પણ પરશુરામ મંદિરનો વિચાર રજૂ કર્યો હતો. પરંતુ અન્ય પક્ષોએ પરશુરામ મંદિરના મુદ્દાને આગળ કરતાં હવે અખિલેશે ગીતાકાર ભગવાન કૃષ્ણ પર પસંદગી ઊતારી હતી. યાદવો એટલે યદુવંશના વારસદારો એવું માનતા અખિલેશે ભગવાન કૃષ્ણની મૂર્તિ સૈફઇમાં સ્થાપવાની જાહેરાત કરી હતી.

 

(1:43 pm IST)