Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ નાઇક કોરોના પોઝિટિવ : લોકોને કરી આ અપીલ

નવી દિલ્‍હી : કેન્દ્રીય આયુષ મંત્રી અને રક્ષા રાજ્ય મંત્રી શ્રીપદ નાઈક બુધવારે કોરોનાગ્રસ્ત આવ્યા હતા. નાઈકે ટ્વીટ કરીને આ વિશ જાણકારી આપી હતી. નાઈકે જણાવ્યું હતું કે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તે કોરોનાગ્રસ્ત આવ્યા છે. તેમને કોરોનાના લક્ષણો નથી અને તે હોમ આઈસોલેશનમાં છે. નાઈકે હાલમાં જ તેમના સંપર્કમાં આવેલા લોકોને તકેદારી રાખી કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે નાઈકએ મોદી સરકારના 5માં મંત્રી છે જે કોરોના પોઝિટીવ આવ્યા છે.

શ્રીપદ નાઈકે બુધવારે ટ્વીટ કરી કહ્યું કે આજે મે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે મારામાં કોરોનાના કોઈ લક્ષણો દેખાતા નથી. તમામ અંગો બરાબર કામ કરી રહ્યા છે. સ્થિતિ કન્ટ્રોલમાં છે તેથી હું હોમ ક્વોરેન્ટાઈન છું. જે લોકો થોડાક સમયમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેમને સલાહ આપુ છું કે તેઓ કોરોના ટેસ્ટ કરાવો અને જરુરી સાવધાની વર્તો.

ઉલ્લેખનીય છે કે નાઈક પહેલા કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ, કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરી, ગૃહ મંત્રી અમિત શાહ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે. જેમાંથી 2ની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

નોંધનીય છે કે કોરોનાનો આંક બુધવારે 23 લાખને પાર પહોંચ્યો હતો. કોરોનાની ઝપેટમાં કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પા અને મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ એમ 2 રાજ્યોના મુખ્ય મંત્રી પણ તેની અડફેટે આવી ચુક્યા છે. બન્નેને રજા આપી દેવાઈ છે. જોકે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના સંક્રમિત છે. જેમની સારવાર ચાલી રહી છે.

(2:45 pm IST)