Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

પશ્ચિમ બંગાળ: મમતા સરકારે પંદર દિવસમાં 4 વખત બદલી લૉકડાઉનની તારીખો, વિપક્ષે કર્યો આક્ષેપોનો વરસાદ

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ફરી એકવાર લૉકડાઉનની તારીખોમાં ફેરફાર જાહેર કરતાં કોંગ્રેસ અને ભાજપ સહિતના વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા પંદર દિવસમાં મમતાએ સતત ચોથીવાર લ઼ૉકડાઉનની તારીખોમાં ફેરફાર કર્યા હતા.

અગાઉ પાંચમી ઑગષ્ટે અયોધ્યામાં વડા પ્રધાને રામ મંદિરની જમીનનું ભૂમિપૂજન કર્યુ ત્યારે પણ મમતાએ ઓચિંતી જાહેરાત કરીને રાજ્યમાં લૉકડાઉન જાહેર કર્યું હતું. ભાજપે વિરોધ પ્રદર્શિત કરવા વિરોધયાત્રા કાઢી ત્યારે પોલીસ સાથે અથડામણ થઇ હતી. આ વખતે ફરી એકવાર મમતાએ 28 ઑગષ્ટે લૉકડાઉન હટાવવાની જાહેરાત કરી હતી.  ભાજપે એવો આક્ષેપ કર્યો હતો કે ચોક્કસ કોમના લોકોને રાજી રાખવા આ નિર્ણય કરાયો હતો. 28 ઑગષ્ટે શુક્રવાર છે એટલે ચોક્કસ કોમના લોકોની સગવડ ધ્યાનમાં રાખીને મમતાએ આ નિર્ણય કર્યો હતો.

કોંગ્રેસી પ્રવક્તાએ કહ્યું હતું કે મમતાએ લૉકડાઉન લગાવતાં પહેલાં ટોચના ડૉક્ટરો સાથે વાત કરી લેવી જોઇએ. વારંવાર લૉકડાઉનનો નિર્ણય બદલવાથી કોરોના માટેના હેતુને પ્રતિકૂળ અસર થતી હતી એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિંહાએ બુધવારે એવી જાહેરાત કરી હતી કે અગાઉ 27 અને 28 ઑગષ્ટે લૉકડાઉન જાહેર કરાયો હતો. પરંતુ હવે 28મીએ સંપૂર્ણ લૉકડાઉન નહીં રહે. આ માટે એવું કારણ આગળ કરવામાં આવ્યું હતું કે બેંકીંગ, વેપાર ઉદ્યોગ અને વહીવટી કામકાજમાં બે દિવસના લૉકડાઉનથી પ્રતિકૂળ અસર થવાની શક્યતા હોવાથી 28મીએ સંપૂર્ણ લૉકડાઉન નહીં રહે. ત્યારબાદ 31મી ઑગષ્ટે સોમવારે સંપૂર્ણ લૉકડાઉન રહેશે.

(2:46 pm IST)