Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

ઝારખંડના શિક્ષણમંત્રીએ ધોરણ-11માં લીધું એડમિશન :કહ્યું--હવે અમે ભણશું અને રાજ્યના બાળકોને ભણાવશું

53 વર્ષીય શિક્ષણમંત્રી જગરનાથ મહતોએ 25 વર્ષ પહેલા 1995માં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હતી.

રાંચી: ઝારખંડના શિક્ષા મંત્રી જાગરનાથ મહતોએ પોતાના વિધાનસભા વિસ્તારમાં એક સરકારી ઈન્ટર કૉલેજમાં ધોરણ 11માં એડમિશન લીધુ છે. 53 વર્ષીય જગરનાથ મહતોએ 25 વર્ષ પહેલા 1995માં ધોરણ 10ની પરીક્ષા પાસ કરી હતી.

આ અંગે તેમણે જણાવ્યું કે, સતત થઈ રહેલી આલોચનાએ મને મારા વર્ષોથી છૂટી ગયેલા અભ્યાસનું પુન:શરૂ કરવા માટે પ્રેરિત કર્યો છે. જ્યારથી મારી HRD મંત્રી તરીકે પસંદગી થઈ, ત્યારથી સામાન્ય લોકો જ નહીં પરંતુ ચૂંટાયેલા ધારાસભ્યોના એક વર્ગની સતત ટીકાનો સામનો કરવો પડ્યો છે. આખરે મેં ફરીથી અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

જગરનાથ મહતોએ વીડિયો પોસ્ટ કરતા કૈપ્શનમાં લખ્યું છે કે, સ્વયંમાં સુધારો કરવાની શરૂઆત કરી રહ્યો છું. મેટ્રિક પાસ કર્યા બાદ, સંજોગોએ મને શિક્ષણથી દૂર કરી દીધો હતો. આજે એ અંતર હટાવવાની ઈચ્છાએ પ્રેરિત કર્યો છે. ઈન્ટરમીડિએટની શિક્ષા માટે મેં મારું નામ દેવીમહતો ઈન્ટર કૉલેજ નાવાડીહમાં નોંધાવ્યું છે.

જગરનાથ મહતો આર્ટ્સ સ્ટ્રીમમાં આગળનો અભ્યાસ કરશે. તેમના વિષયોમાં સ્વાભાવિક છે કે, પોલિટિકલ સાયન્સ સામેલ હશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અમે સાબિત કરી દીધુ છે કે, ભણવા માટે કોઈ ઉંમર નથી હોતી. મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહી રહ્યો છું. જે દિવસે મેં શિક્ષણ મંત્રી તરીકે શપથ લીધા હતા, તે દિવસે કેટલાક લોકોને લાગ્યું કે, 10મું પાસ શિક્ષણ મંત્રી શું કરશે? હવે અમે ભણીશું અને રાજ્યના બાળકોને ભણાવીશું પણ. હું ક્લાસમાં ભણીશ અને મંત્રાલયમાં કામ કરીશ.

(7:16 pm IST)