Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

દિલ્હીમાં મંકીપોક્સનો પાંચમો કેસ મળ્યો :દર્દી નાઈજીરિયાથી પરત આવ્યો હતો

હવે 22 વર્ષની આફ્રિકન મહિલા આ વાયરસથી પોઝિટિવ મળી

નવી દિલ્હી : દિલ્હીમાં મંકીપોક્સનો વધુ એક નવો કેસ સામે આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ હવે 22 વર્ષની આફ્રિકન મહિલા આ વાયરસથી પોઝિટિવ મળી આવી છે. આ કેસ સહિત દિલ્હીમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના કુલ પાંચ કેસ નોંધાયા છે. અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે જે દર્દીમાં વાયરસની પુષ્ટિ થઈ હતી,તે મહિલા થોડા દિવસો પહેલા નાઈજીરિયાથી પરત આવી હતી. સંક્રમિત (મંકીપોક્સ) મહિલાને થોડા દિવસો પહેલા એનએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યારે અહીં દાખલ કરવામાં આવી હતી, શુક્રવારે રાત્રે આવેલા રિપોર્ટમાં તેણીને મંકીપોક્સથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. છેલ્લા કેટલાક મહિનામાં દિલ્હીમાં મંકીપોક્સના અન્ય ચાર કેસ નોંધાયા છે. જેમાંથી બે મહિલાઓને એનએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

 થોડા દિવસો પહેલા દિલ્હીમાં મંકીપોક્સ વાયરસના ચેપનો ચોથો કેસ નોંધાયો હતો. એક 31 વર્ષીય નાઇજિરિયન મહિલા આ રોગથી સંક્રમિત મળી આવી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. આ તાજેતરના કેસ સાથે, દેશમાં મંકીપોક્સ ચેપના કેસોની સંખ્યા 9 પર પહોંચી ગઈ છે. તે દેશમાં મંકીપોક્સ વાયરસથી સંક્રમિત જોવા મળેલી પ્રથમ મહિલા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મહિલાને તાવ અને શરીર પર ફોલ્લીઓ છે અને તેને લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલ (LNJP)માં દાખલ કરવામાં આવી છે. તેના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેનું પરિણામ બુધવારે ‘પોઝિટિવ’ આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે હજુ સુધી આ મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી વિશે કોઈ માહિતી નથી. દિલ્હીમાં મંકીપોક્સના પ્રથમ દર્દીને સોમવારે LNJP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મંકીપોક્સનો સામનો કરવા માટે દિલ્હીની છ હોસ્પિટલોમાં 70 આઈસોલેશન રૂમ બનાવવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આમાંથી 20 રૂમ લોકનાયક જય પ્રકાશ (LNNJP) હોસ્પિટલમાં સ્થાપિત કરવામાં આવ્યા છે, જે મંકીપોક્સના દર્દીઓ અને શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે નોડલ કેન્દ્ર છે, જ્યારે અન્ય પાંચ હોસ્પિટલોમાં પ્રત્યેકમાં 10 રૂમ બનાવવામાં આવ્યા છે.

આ પાંચ હોસ્પિટલોમાં દિલ્હી સરકાર સંચાલિત જીટીબી હોસ્પિટલ અને ડો. બાબાસાહેબ આંબેડકર હોસ્પિટલ અને ત્રણ ખાનગી હોસ્પિટલો- કૈલાશ દીપક હોસ્પિટલ, એમડી સિટી હોસ્પિટલ અને બત્રા હોસ્પિટલ, તુગલકાબાદનો સમાવેશ થાય છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના કાર્યાલયે કહ્યું હતું કે દિલ્હીવાસીઓનું આરોગ્ય ” કેજરીવાલ સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

(7:21 pm IST)