Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

ઉજ્જૈન નજીકના ગામોમાં અનેક વિસ્ફોટ સંભળાયા, ધરતીમાં કંપન

ધરતીના નાભી સ્થળ મનાતા મધ્યપ્રદેશના પેટાળમાં ભૂગર્ભીય હલચલ : ભૂકંપ જેવા આંચકાઓના કારણે અનેક ઘરોમાં તિરાડ પડી ગઈ હતી અને વાસણો નીચે પડી ગયા હતા, લોકો આખો દિવસ ઘરની બહાર જ રહ્યા હતા

ઉજ્જૈન, તા.૧૩ : ધરતીના નાભિ સ્થળ ગણાતા મધ્ય પ્રદેશના ૫મા સૌથી મોટા શહેર ઉજ્જૈનની ધરતીના પેટાળમાં શુક્રવારના રોજ ભારે મોટી ભૂગર્ભીય હલચલ જોવા મળી હતી. મહાકાલની ધરતી ઉજ્જૈનના મહિદપુર પ્રાંતમાં આવેલા જગોટી અને બાગલી ગામમાં સવારથી સાંજ સુધીમાં અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા અને ધરતીમાં કંપન અનુભવાયું હતું.

ભૂકંપ જેવા આંચકાઓના કારણે અનેક ઘરોમાં તિરાડ પડી ગઈ હતી અને વાસણો નીચે પડી ગયા હતા. આ કારણે ડરી ગયેલા લોકો આખો દિવસ ઘરની બહાર જ રહ્યા હતા અને બહાર લોકોની ભારે ભીડ જામી હતી. આસપાસના બરખેડી બજાર, બેલાખેડા, કાનાખેડી, હરવંશ ગામના લોકોએ પણ ધમાકાના અવાજો સાંભળ્યા હતા અને કંપનનો અનુભવ કર્યો હતો. વિસ્ફોટો અંગેની જાણ થયા બાદ એસડીએમ સહિતના તમામ ટોચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. બંને ગામમાં સવારથી સાંજ સુધીમાં ૮ જેટલા ધમાકા થયા હતા અને બ્લાસ્ટના કારણે આજુબાજુના મકાનો-દુકાનોમાં કંપન અનુભવાયું હતું. અનેક ઘરોમાં સીડી અને મકાનની દીવાલ વચ્ચે એક ઈંચ જેટલું પોલાણ પણ થઈ ગયું હતું.

ડોંગલા વેધશાળાના પ્રોજેક્ટ ઓફિસરના કહેવા પ્રમાણે આજુબાજુના ક્ષેત્રમાં પાણી વધારે પડવાના કારણે તથા જમીનની અંદર પાણી એકત્રિત થવાના કારણે આ પ્રકારની ઘટના બની શકે છે. આ એક પ્રાકૃતિક ઘટના કહી શકાય અને ઘણી વખત આવું બનતું હોય છે.

(7:42 pm IST)