Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

માત્ર હિંદુઓને જ મતાધિકાર આપતું હિંદુ રાષ્ટ્રનું બંધારણ તૈયાર થઈ રહ્યું છે

શામ્ભવી પીઠાધિશ્વરના સંરક્ષણમાં ૩૦ લોકોના જૂથ દ્વારા ક્વાયત : આ ડ્રાફ્ટને ૨૦૨૩ના માઘ મેળા દરમિયાન યોજાતી ધર્મ સંસદમાં રજૂ કરવામાં આવશે

નવી દિલ્હી, તા.૧૩ : વારાણસી સ્થિત શંકરાચાર્ય પરિષદના અધ્યક્ષ સ્વામી આનંદ સ્વરૃપના કહેવા પ્રમાણે શામ્ભવી પીઠાધિશ્વરના સંરક્ષણમાં ૩૦ લોકોના જૂથ દ્વારા હિંદુ રાષ્ટ્ર તરીકે ભારતના બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સંતો અને વિદ્વાનોના એક વર્ગ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા આ ડ્રાફ્ટને ૨૦૨૩ના માઘ મેળા દરમિયાન યોજાતી 'ધર્મ સંસદ'માં રજૂ કરવામાં આવશે.

આ વર્ષે ફેબ્રુઆરી મહિના દરમિયાન આયોજિત માઘ મેળા દરમિયાન ધર્મ સંસદમાં ભારતને પોતાના આગવા બંધારણ સાથે એક 'હિંદુ રાષ્ટ્ર' બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. 

સ્વામી આનંદ સ્વરૃપના કહેવા પ્રમાણે તૈયાર કરવામાં આવી રહેલું બંધારણ ૭૫૦ પાનાનું હશે તથા તેના કવર પેજ પર 'અખંડ ભારત'નો નકશો હશે.

હાલ શિક્ષણ, સંરક્ષણ, કાયદા-વ્યવસ્થા, મતદાનની વ્યવસ્થા સહિત અન્ય વિષયોને સાંકળતા પાસાઓ સાથે ડ્રાફ્ટના ૩૨ પાના તૈયાર થઈ ગયા છે. પ્રયાગરાજ ખાતે યોજાનારા માઘ મેળામાં આશરે ૩૦૦ પાના (આશરે અડધો ડ્રાફ્ટ) રજૂ કરવામાં આવશે અને તેના માટે 'ધર્મ સંસદ' યોજાશે.હિંદુ રાષ્ટ્ર બંધારણ પ્રમાણે દિલ્હીના બદલે વારાણસી દેશની રાજધાની હશે. ઉપરાંત કાશીમાં 'ધર્મ સંસદ' સ્થાપવાનો પણ પ્રસ્તાવ છે.સ્વામી આનંદ સ્વરૃપે જણાવ્યું કે, હિંદુ રાષ્ટ્રના બંધારણના કવર પેજ પર અખંડ ભારતનો નકશો દર્શાવવામાં આવ્યો છે જે એક ખાસ સૂચન કરે છે. તેના દ્વારા એવું દર્શાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને મ્યાનમાર જેવા અન્ય દેશોને ભારતથી અલગ કરી દેવામાં આવ્યા છે જેમનો એક દિવસ વિલય કરી દેવાશે. 

સ્વામી આનંદના કહેવા પ્રમાણે હિંદુ રાષ્ટ્રના બંધારણના ડ્રાફ્ટ પ્રમાણે દરેક જાતિના લોકોને દેશમાં રહેવાની સુવિધા તથા સુરક્ષા મળશે પરંતુ અન્ય ધર્મના લોકોને મતાધિકારની મંજૂરી નહીં મળે. મુસ્લિમો અને ઈસાઈઓ મતાધિકારને છોડીને સામાન્ય નાગરિકને મળતા તમામ અધિકારોનો આનંદ માણી શકશે.

ડ્રાફ્ટ પ્રમાણે નાગરિકોને ૧૬ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા બાદ મતાધિકાર પ્રાપ્ત થશે અને ૨૫ વર્ષની ઉંમરે તેઓ ચૂંટણી લડી શકશે. ધર્મ સંસદ માટે કુલ ૫૪૩ સદસ્યોને પસંદ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, સજા માટેની ન્યાયિક પ્રણાલી ત્રેતા તથા દ્વાપર યુગ પર આધીન હશે. ગુરૃકુળ પ્રણાલીને પુનર્જીવિત કરવામાં આવશે તથા આયુર્વેદ, ગણિત, નક્ષત્ર, ભૂગર્ભ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવશે. ઉપરાંત દરેક નાગરિકને જરૃરી સૈન્ય પ્રશિક્ષણ મળશે તથા ખેતીને સંપૂર્ણપણે કરમુક્ત કરવામાં આવશે.

હિંદુ રાષ્ટ્ર નિર્માણ સમિતિના પ્રમુખ કમલેશ્વર ઉપાધ્યાય, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ બીએન રેડ્ડી, સંરક્ષણ નિષ્ણાંત આનંદ વર્ધન, સનાતન ધર્મના વિદ્વાન ચંદ્રમણિ મિશ્રા તથા વિશ્વ હિંદુ મહાસંઘના અધ્યક્ષ સિંહ સહિત અન્ય સંતો, વિદ્વાનો આ ડ્રાફ્ટને તૈયાર કરી રહ્યા છે.

(7:43 pm IST)