Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી'નો સપોર્ટઃ નિર્માતા- નિર્દેશક- કલાકારો સાથે ફેસબૂક લાઇવ પર યોજાયો અનોખો 'લેટ્સ ટોક'શોઃ ફિલ્મ નિર્માણના પ્રારંભથી માંડી રિલીઝ થવા સુધીની અલક-મલકની વાતોઃ વિરલ રાચ્છનું સફળ સંચાલન

અર્બન ગુજરાતી ફિલ્મ 'યુવા સરકાર' ૮૧ સ્ક્રીન પર રિલીઝઃ નાના-મોટા સોૈ સપરિવાર જોઇ શકે તેવી ફિલ્મઃ મેહુલ બુચ

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, 'ગુજરાત્રી'ના સ્વપ્નદ્રષ્ટા શ્રી નિમીષભાઇ ગણાત્રાનો યુવા સરકારની ટીમે ભરપુર આભાર માન્યોઃ સંયોજનમાં વિરલ રાચ્છ સાથે મિલીન્દ ગઢવી અને હિરેન સુબાનો સહયોગઃ ટોક શોને લાખો દર્શકોએ લાઇવ નિહાળ્યોઃ ફિલ્મોની અસર સમાજ પર ખુબ હોય છે, સારી ફિલ્મો કોઇપણ માણસના વિચાર બદલી શકેઃ મારી ઇચ્છા ભવિષ્ટમાં શોર્ટ ફિલ્મ બનાવવાની હતી, પણ હરિ ઇચ્છાથી યુવા સરકાર સાથે જોડાયોઃ નિર્માતા નિલેષ કાત્રોડીયા : લોકો મલકાશે પણ ખરા, આંખમાં પણ ભીનાશ પણ આવી જશે, એવુ પણ બનશે કે આ તો મારે જે કહેવું હતું એ આ પાત્ર કહી રહ્યું છેઃ નિર્દેશક રક્ષિત વસાવડા મારા પાત્રને નિખારવામાં રક્ષિતભાઇ અને મેહુલભાઇએ ખુબ મોટો ભાગઃ હર્ષલ માંકડ ફિલ્મમાં સ્ત્રી સશકિતરણની વાત પણ છેઃ અભિનેત્રી આસ્થા મહેતા

'લેટ્સ ટોક' શોમાં જોડાયેલા યુવા સરકારના અભિનેતા લેખક હર્ષલ માંકડ, નિર્માતા નિલેષ કાત્રોડીયા, નિર્દેશક રક્ષિત વસાવડા (ઉપર) તથા નીચેની તસ્વીરમાં શો સંચાલક વિરલ રાચ્છ, અભિનેતા મેહુલ બુચ અને અભિનેત્રી આસ્થા મહેતા જોઇ નજરે પડે છે

રાજકોટ તા. ૧૩: લોકડાઉન પુરૂ થયા પછી સિનેમાઘરમાં સોૈ પ્રથમ આજ ૧૩મીથી અર્બન ગુજરાતી ફિલ્મ 'યુવા સરકાર' ૮૧ સ્ક્રીન પર રિલીઝ થઇ છે.  રાજકોટમાં જ અને મોટા ભાગના રાજકોટના જ કલાકારોને લઇને બનાવવામાં આવેલી આ ફિલ્મના નિર્માણથી માંડીને રિલીઝ થઇ ત્યાં સુધીની અલક-મલકની વાતો 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ' આયોજીત 'ગુજરાત્રી'ના પ્લેટફોર્મ પર 'લેટ્સ ટોક' શો હેઠળ કરવામાં આવી હતી. આ શોમાં ફિલ્મના નિર્માતા, નિર્દેશક તથા કલાકારો જોડાયા હતાં અને તેમણે ફિલ્મ વિશેની વિસ્તૃત વિગતોની ચર્ચાઓ શોના સંયોજકો સાથે કરી હતી. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના ખુબ જાણીતા અભિનેતા શ્રી મેહુલ બુચે કહ્યું હતું કે આ યુ-એ સર્ટિફિકેટ ધરાવતી એવી ફિલ્મ છે જે નાના-મોટા સોૈ કોઇ સપરિવાર સાથે બેસીને જોઇ શકે છે. આવો આપણે પણ જાણીએ અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી આયોજીત 'લેટ્સ ટોક' શોની વિસ્તૃત માહિતી.

દેશનું યુવાધન સક્રિય રાજકારણને એમની કારકિર્દીનો હિસ્સો બનાવે અને દેશને વધુ મજબુત અને પ્રગતિશીલ બતાવે તેવો શુભ સંદેશ 'યુવા સરકાર' દ્વારા એમના સર્જકો -નિર્માતા સહુને પહોંચાડવા માંગે છે. દિવાળીના તહેવારમાં દરમિયાન ૮૧ જેટલા સીનેમાગૃહોમાં આ ફિલ્મ આજથી રિલીઝ થઇ ચુકી છે.

યુવા સરકાર ફિલ્મના નિર્માતા  નિલેષ કાત્રોડીયા, નિર્દેશક રક્ષિત વસાવડા અને કલાકારો મેહુલ બુચ, હર્ષલ માંકડ તથા આસ્થા મહેતા સાથે 'લેટ્સ ટોક' શોનું સંચાલન ગુજરાત્રીના જાણીતા અને માનીતા સંચાલક વિરલ રાચ્છે કર્યુ હતું. સંયોજનમાં તેમની સાથે 'અકિલા ઇન્ડિયા ઇવન્ટ્સ-ગુજરાત્રી'ના કર્તાહર્તા શ્રી નિમિષભાઇ ગણાત્રા, મિલીન્દ ગઢવી અને હિરેન સુબા જોડાયા હતાં.

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી, અકિલા ન્યુઝ વતી તમામ મહાનુભાવોને આવકારતા સંચાલક વિરલ રાચ્છે જણાવ્યું હતું કે દર વખતની જેમ અકિલા ન્યુઝ પેજ પર ગુજરાત્રીના માધ્યમથી અમે દરેક વખતે નોખુ, અનોખું અને રસાળ સાહિત્ય, સંગીત કે કલાકારો પીરસતા રહ્યા છીએ.   દિવાળીના દિવસોમાં અનલોક શરૂ થયા પછી 'અકિલા' યુવા સરકાર ફિલ્મની સમગ્ર ટીમ  'ગુજરાત્રી'ના પ્લેટફોર્મ પર લાવી છે. 'અકિલા' એ સોૈરાષ્ટ્રનું છાપુ છે, સોૈરાષ્ટ્રનો ધબકાર છે, સોૈરાષ્ટ્રનું હૃદય છે. અકિલા રાજકોટથી પ્રસિધ્ધ થાય છે ત્યારે મેઇડ ઇન સોૈરાષ્ટ્ર કહી શકાય તેવી 'યુવા સરકાર' ફિલ્મ અનલોકમાં વટથી રિલીઝ થઇ રહી છે તેને સપોર્ટ કરવા આ ફિલ્મની સમગ્ર ટીમને 'અકિલા ફેસબૂક લાઇવ-ગુજરાત્રી'ના પ્લેટફોર્મ પર અમે લાવ્યા છીએ.

અભિનેતા મેહુલ બુચ સાથે પ્રશ્નોતરી

આ ફિલ્મની ટીમ સાથે પહેલી જ વખત કામ કરવામાં આપને કેવું લાગ્યું? તેવા સવાલના જવાબમાં ગુજરાતી ફિલ્મો-તખ્તાના ખુબ મોટા કલાકાર શ્રી મેહુલ બુચે જણાવ્યું હતું કે-અનલોક પછી મારી, અમારી, આપણી ફિલ્મ પહેલીવહેલી આવે એ વાતનો ખુબ આનંદ છે. આ નવી ટીમ સાથે મને બધુ જ નવું લાગ્યું, મેં કયારેય નહોતું અનુભવ્યું એવું માણ્યું. નવી ટીમ એટલી બધી તૈયાર હતી કે એની મને કલ્પના નહોતી. આ નવી ટીમે મને ઘણુંબધુ શીખવી પણ દીધું છે અને આ વાત તદ્દન સાચી છે. જો કે આ ફિલ્મની રિલીઝ પછી આ ટીમ નવી નથી રહી. તેમની પાસે ખુબ સારો અનુભવ છે. થોડા દિવસ પછી કહીશ કે સફળ અનુભવ છે.

શુટીંગના પહેલા જ બાર કલાકમાં મારા અમુક બાબતોને લઇને જે ગણિત હતાં તે ખોટા પડ્યા, મારો ભય ખોટો પડ્યો. નિર્દેશક તરીકે રક્ષીત વસાવડા સીન સમજાવે ત્યારે કલાકારને સીનની લાઇટીંગ દેખાવા માંડે, નિલેષભાઇ જેવા પ્રોડ્યુસરે હાલના તબક્કામાં ફિલ્મ રિલીઝ કરવા હિમ્મત કરી તે માટે તેમને સલામ કરવી પડે. હર્ષલ અને આસ્થાએ સમગ્ર ફિલ્મમાં મહત્વની મુખ્ય ભુમિકા નિભાવી છે, હર્ષલે આખી ફિલ્મ પોતાના ખભે ઉચકી લીધી છે.  તેનું પરિણામ પરદા પર દેખાશે. મને ખુબ મોજ પડી.

દિગ્દર્શક રક્ષીત  વસાવડા સાથે વાર્તાલાપ

વિરલ રાચ્છે શોને આગળ વધારતાં ફિલ્મના યુવા દિર્ગ્દશક રક્ષીત વસાવડા સાથે વાતચીત આરંભી હતી. રક્ષીત પહેલા તો યુવા સરકારને નાટક સ્વરૂપે રજૂ કરવાના હતાં, પણ પછી ફિલ્મ બનાવવા સજ્જતા કેળવવા શું કર્યુ? આ સવાલનો ઉત્તર આપતા રક્ષીતે કહ્યું હતું કે-નાટક અને ફિલ્મની પરિભાષા સાવ જુદી હોય છે. નાટકોમાં બધુ અલગ હોય છે જ્યારે ફિલ્મ એ સુક્ષમતાનું માધ્યમ છે. અહિ એકસપ્રેશનથી માંડી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. મારી આ પહેલી ફિલ્મ છે એટલે એ ખાસ ધ્યાન રાખ્યું છે કે નાટકને વેબ કેમેરાથી શુટ કરીને રજૂ કરી દેવામાં આવ્યું છે. અમે ફિલ્મ સિનેમેટીક બનાવી છે.

યુવા અભિનેતા અને  લેખક હર્ષલ માંકડ

નાટક અને ફિલ્મમાં એક વસ્તુ કોમન છે અને એ છે વાર્તા. વિરલ રાચ્છે સ્ટોરી રાઇટર-ફિલ્મના હીરો હર્ષલ માંકડ સાથે ચર્ચા શરૂ કરી હતી. ફિલ્મની કહાનીનો વિષય કઇ રીતે સામે આવ્યો? તે વિશે પુછાતા હર્ષલે કહ્યું હતું કે હું દર વર્ષે યુવાઓ વિશે બૂક લખુ છું. આ વખતે યુવા સરકાર નામથી બૂક લખી હતી. રક્ષીતને આ વાત કરી અને નાટક રજૂ કરવાની વાત કરી. પણ તેણે આ તો ફિલ્મનો વિષય છે એમ કહ્યું હતું અને વાત ફિલ્મ સુધી પહોંચી હતી.

લેખક તો તમે હતા જ, ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે અભિનય કરતાં કેવું લાગ્યું? એ સવાલનો જવાબ આપતાં હર્ષલે કહ્યું હતું કે રક્ષિતે કહાની સાંભળી પછી એ સ્પષ્ટ કહી દીધું હતું કે મુખ્ય પાત્ર કોઇ ભજવી શકે તો એ તમે જ છો. ફિલ્મમાં જે પાત્ર છે હીરો છે એ ખરેખર હીરો નથી, એક સરળ માણસ છે. એ પણ બીજા લોકોની જેમ રૂટીન લાઇફ જીવે છે. પણ મારા પાત્રને નિખારવામાં રક્ષિતભાઇ અને મેહુલભાઇએ ખુબ મોટો ભાગ ભજવ્યો છે.  

આસ્થા હિરોઇન તરીકે કાસ્ટ કેવી રીતે થઇ? તેની માહિતી આપતાં રક્ષીત વસાવડાએ કહ્યું હતું કે તમે પહેલો જ પ્રોજેકટ હાથમાં લેતાં હોય ત્યારે એવી વ્યકિતઓ સામેલ હોવી જોઇએ જેને તમે સમજી શકો અને એ તમને સમજી શકે. હર્ષલ સાથે કેમેસ્ટ્રી બનાવવા અલગ-અલગ અભિનેત્રીઓને અજમાવવાની કોશિષ કરી હતી. જેમાં આસ્થા વધુ યોગ્ય લાગ્યા હતાં અને તેને આ રોલ અપાયો હતો.

અભિનેત્રી આસ્થા મહેતા

યુવા સરકારના મુખ્ય અભિનેત્રી-હીરોઇન આસ્થા મહેતા ભાવનગરના વતની છે. સ્ક્રીપ્ટ વિશે વાત કરતાં આસ્થાએ કહ્યું હતું કે અહિ બેઝીકલી કોઇ લવસ્ટોરી નથી, આખી સ્ટોરી હીરો પર છે. હીરો-હિરોઇન વચ્ચે કોઇ અંગત દ્રશ્યો નથી. પણ મારો રોલ જબરદસ્ત છે. કોઇ એકસ્ટ્રાઓર્ડીનરી કે બ્યુટીફુલ છોકરી છે એવું નથી. એક સામાન્ય ઘરની છોકરીનું મારું પાત્ર છે. મારી ઇમેજ જે છે એવી હું છું, પણ સ્ટોરી આગળ વધતાં સ્ત્રી સશકિતકરણની વાત પણ આવશે. મારુ પાત્ર મોટીવેશનલ પણ છે.

નિર્માતા નિલેષ કાત્રોડીયા

વિરલ રાચ્છે ટોક શોને આગળ વધારતાં કહ્યું હતું કે તમારી પાસે સારા દિગ્દર્શક હોય, અદ્દભુત કહાની હોય, ખુબ સારા કલાકારો હોય, મેહુલભાઇ જેવા કલાકાર કામ કરવા તૈયાર હોય તો પણ આ બધુ નકામુ થઇ જાય જો તમારી પાસે નિર્માતા ન હોય. નાણા વગર ફિલ્મ ન બને. અનેકના સપનાઓ નિર્માતા વગર અધુરા રહી જાય. નિર્માતા નિલેષભાઇને ફિલ્મ નિર્માણનો વિચાર કઇ  રીતે આવ્યો તે અંગે તેમણે કહ્યું હતું કે- કોઇપણ સારા કાર્ય પાછળ હરિનો હાથ હોય. પહેલીવાર હું અને હર્ષલ મળ્યા અને કેબીસીમાં પણ સાથે ગયા હતાં.  હર્ષલ દર વર્ષે એક પુસ્તક પણ લખે છે. ફિલ્મોની અસર સમાજ પર ખુબ હોય છે. સારી ફિલ્મો કોઇપણ માણસના વિચાર બદલી શકે છે. આથી મેં વિચારેલુ કે ભવિષ્યમાં એક સ્ટોરી પરથી શોર્ટ ફિલ્મ બનાવવી. મેં આ વાત હર્ષલને કહેતાં તેણે કહ્યું કે હું અને રક્ષીતભાઇ એક નવા જ વિષય પર ફિલ્મ બનાવી રહ્યા છીએ તો તમે એમાં જ જોડાઇ જાવ. મને કહાની ખુબ ગમી અને હું સામેલ થયો.  

મેહુલ બુચ વન્સ મોર..

સંચાલક ફરી એક વખત સુવિખ્યાત અભિનેતા મેહુલ બુચ તરફ વળ્યા હતાં. આ ફિલ્મમાં એવું ખાસ શું છે? તે સવાલનો જાવબ આપતાં મેહુલભાઇએ કહ્યું કે ફિલ્મમાં સ્પેશિયલ એ છે કે ફિલ્મને યુ-એ સર્ટિફિકેટ મળ્યું છે. એટલે એનો બીજો કોઇ અર્થ નથી. આ એવી ફિલ્મ છે કે નાના-મોટા સોૈ કોઇ વડિલો, સ્વજનો સાથે બેસીને જોઇ શકે તેવી ફિલ્મ છે. આખી ફિલ્મમાં એક અદ્દભુત વાત કહી રહ્યા છીએ. યુવા સરકાર-એક વિચારનો વિચાર એટલો બધો સ્ટ્રોંગ છે કે યુવા પેઢી જોઇને સમજે તો છ મહિના પછીના યુવાઓના કેરીયર પ્રોફાઇલ અને ફયુચરની ચર્ચા હશે ત્યાં વધુ એક તક હશે. એ હશે રાજકારણમાં જોડાવાની તક.

ફિલ્મમાં કોઇ જગ્યાએ ઉપદેશ નથી, બહુ જ સરળ રીતે આખી વાત સમજાવવામાં, દેખાડવામાં આવી છે. મને મારું સ્વાર્થી પાત્ર અત્યંત ગમ્યું છે. માણસો ખુબ સારા મળી ગયા પછી શું જોઇએ?

ફિલ્મ નિર્માણમાં આ  બધાનો મહત્વનો ફાળો

ફિલ્મનું નિર્માણ કઇ રીતે થયું? કોણ કોણ આમાં જોડાયેલું છે? તે સવાલનો જવાબ આપતાં નિર્દેશક રક્ષીત વસાવડાએ કહ્યું હતું કે ફિલ્મની સિનેમેટોગ્રાફી પવન ચોૈધરીએ કરી છે. પવન રાઝ, ક્રિએચર સહિતની બોલીવૂડની ફિલ્મોમાં તેણે આસીસ્ટન્ટ તરીકે કામ કર્યુ છે. પવનને અમે કહાની સમજાવી એ સાથે જ તે બધુ સમજી ગયા કે કઇ રીતે કયાં શું કરવાનું છે.

એડિટર નરેશભાઇ પરમારે સમગ્ર ફિલ્મને લાઇનઅપ કરી છે. ૨૫૦ મિનીટનું સમગ્ર લાઇનઅપ હતું. એ પછી મેં દરરોજ થોડા થોડા ફિલ્મના દ્રશ્યો જોવાનું શરૂ કર્યુ. એ પછી સમગ્ર સ્ક્રીનપ્લે બદલાયો.

ફિલ્મમાં હર્ષલ પંડ્યા અને કર્દમ શર્મા જોષી જેવા યંગસ્ટર્સએ સંગીત આપ્યું છે.  ઓસમાણ મીરની પણ એક જબરદસ્ત કહાની છે. ગોંડલના કોરીયોગ્રાફર ચેતન જેઠવાની કૃતિ ગાંધીરાસ પણ છે. યુવા સરકારના માર્કેટીંગમાં અભિલાષભાઇ ધાડા અને તેમની ટીમે ખાસ ભાગ ભજવ્યો છે.

ફિલ્મની સ્ટોરી, પટકથા, સંવાદ રક્ષિણ વસવાડા અને હર્ષદ માંકડ ''હેયાન'' દ્વારા લખાયેલ છે. ગીતો શાંતિદુર્લભ, આનંદી આચાર્ય ઠાકર, ચેતન જેઠવા, હર્ષલ માંકડ ''હેયાન'' ના લખેલ છે. સંગીત યુવા સંગીતકાર બેલડી હર્ષલ-ર્કદમશર્મા જોશીનું છે તથા બેક ગ્રાઉન્ડ મ્યુઝીક ''તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'' ફેઇમ સુનિલ પટણીએ આપેલ છે. ગીતોને સ્વર સોલીકાપરીયા, ઓસમાણ મીર, નીકીતા વાઘેલા, મયુર ચૌહાણ, સુજલ હલચલ બોય, પ્રદીપ ગઢવી, હર્ષલ પંડયા, કર્દમશર્મા જોશી જેવા નામી ગાયકોનો સાંપડેલ છે. 'યુવા સરકાર'માં પ્રસિધ્ધ ગાયક શ્રી ઓસમાણ મીરની કવ્વાલી પણ છે.

યુવા સરકાર ફિલ્મમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો. અર્જુનસિંહ રાણાની પણ વિશેષ ભુમિકા

સ્વર્ણીમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેસ ડો. અર્જુનસિંહ રાણા વિશેષ ભૂમિકામાં નજરે પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પ્રેરીત ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર છે. અર્જુનસિંહની ખાસ ભુમિકા માટે પસંદગી થતાં સરકાર પાસેથી મંજુરી મેળવી તેમણે આ રોલ નિભાવ્યો છે. હજારો યુવાનોને સ્પોર્ટસ અને અન્ય પ્રવૃતિમાં મોટીવેશન અર્જુનસિંહ આપી ચુકયા છે. જો ફીટ હૈ વો હીટ હૈ એ તેમનું સુત્ર છે. નિર્દેશક રક્ષિતે કહ્યું હતું કે ડો. રાણા અમારી ફિલ્મમાં નાનકડી પણ ખુબ મહત્વની ભુમિકા નિભાવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે તેઓ પોતાની રિયલ લાઇફ ભુમિકા જ નિભાવી રહ્યા છે.

ગુજરાતી ફિલ્મોનું મુળ રાજકોટ છેઃ વિરલ રાચ્છ

. શોના સંચાલક વિરલ રાચ્છે કહ્યું હતું કે ગુજરાતી ફિલ્મનોું મુળ રાજકોટમાં જ છે. અકિલા વિશ્વભરમાં ગુજરાતીઓ વસે છે ત્યાં ફેવરીટ છે. યુવા સરકારને અકિલાનો સપોર્ટ મળ્યો છે એ માટે સોૈ સમગ્ર ટીમ આદરણીય શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા શ્રી નિમિષભાઇ ગણાત્રા અને સમગ્ર અકિલા ઇન્ડ્યિા ઇવેન્ટ્સ-ગુજરાત્રીની આભારી છે. યુવા સરકાર એ સોૈરાષ્ટ્રની નહિ, ગુજરાતની ગુજરાતીની અર્બન ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મ ભલે ટેકનીકલી જેવી હિન્દી જેવી બને, પણ એ હિન્દી ફિલ્મ જેવી ન હોવી જોઇએ. એમાં ગુજરાતી ઇમોશન્સ હોવા જોઇએ. યુવા સરકાર એવી જ ફિલ્મ બની હોય તેમ લાગે છે. તેમ સંચાલક વિરલ રાચ્છે જણાવ્યું હતું.

અભિનેતાઓને દિગ્દર્શકની કઇ બાબત ગમી અને કઇ ન ગમી?

. આસ્થા-નિર્દેશકની એક સારી બાબત કહુ કે ખરાબ બાબત...આ પાત્રમાં તમે ચાલો જ નહિ, પણ એ એમની ટ્રીક હતી કે મારામાંથી સારુ બહાર આવે તેવો પ્રયાસ હતો. રક્ષીતે કહ્યું હતું કે થોડુ કયાંક આડુ અવળુ થતું હોય તો થોડુ કંઇક બોલાઇ ગયું હોય. જો કે એવી એકપણ ક્ષણ નહોતી આવી કે અમને કંટાળો આવ્યો હોય અને વિચાર્યુ હોય કે હવે ફિલ્મ નથી બનાવવી.  સમગ્ર જર્ની ખુબ સરસ રહી હતી.

.હર્ષલ-સોૈથી મોટી વસ્તુ એ હતી કે   આખુ યુનિટ સીન નંબર ૩૬ માટે તૈયાર હોય ત્યારે રક્ષીતભાઇ કહે કે મારે ૭૧ નંબરનો સીન કરવો છે. પણ મેં નક્કી કર્યુ હતું કે ડિરેકટર કહે એમ જ થવું જોઇઅ. હું આ વાત સમગ્ર યુનિટને પણ સમજાવતો હતો. મારુ અને રક્ષીતભાઇનું ટ્યુનીંગ ખુબ સારુ હતું. અમને જે સીન ન ગમે એ અમે તુરત કટ કરી નાંખતા હતાં.

. મેહુલ બુચે કહ્યું હતું કે- રક્ષિતભાઇ  ખુબ જ શોર્ટ ટેમ્પર્ડ છે, ત્યારે મારે રક્ષિતભાઇને કહેવું છે કે બીજી ફિલ્મ પહેલા ટેમ્પર ગુમાવવાનું શીખો. હર્ષલ અને રક્ષિતભાઇ વચ્ચે ઘર્ષણ થતો એ હું જોતો, પણ અહિ  તણખાથી ભડકો નથી થયો પણ પ્રગટ્યું છે. હું નસિબદાર છું કે મને રક્ષિત વસાવડા જેવા ડિરેકટર મળ્યા. જે પાંચ મિનીટ જો એ કંઇક બોલે અને તમને સમજાય જાય તો એ રાઇટર, એ વી જ રીતે જો દસ મિનીટમાં તમારી સાથે વાત કરી શુટીંગ પહેલા આખે આખી ફિલ્મ દેખાડી દે તો એ ડિરેકટર. રક્ષિત વસાવડા માટે એટલુ ચોક્કસ કહી શકાય કે એમણે એટલુ બધુ જોયુ છે કે તે તેની વાતમાં અત્યંત સ્પષ્ટ છે. પછી જ તે વાત કરે છે. ચોખ્ખી વાત જ એમની હોય છે.

નિર્દશેક-લેખક-કલાકારોની દ્રષ્ટીએ એવું શું છે કે લોકોએ જોવી જ જોઇએ?

.દિગ્દર્શક રક્ષીત વસાવડાએ કહ્યું હતું કે-કોરોનાના સમયે રજુ થતી આ પહેલી ફિલ્મ છે. મોટા મોટા બેનરની ફિલ્મો હજુ રિલીઝ થઇ નથી, કાં તો ઓટીટી પર જઇ રહી છે. આ વખતે ન્યુ નોર્મલ તરફ થોડા જઇને નિલેષભાઇએ હિમ્મત કરી છે આ ફિલ્મ રિલીઝ કરવાની છે. ફિલ્મ જોઇને લોકો મલકાશે પણ ખરા, આંખમાં પણ ભીનાશ પણ આવી જશે, એવુ પણ બનશે કે આ તો મારે જે કહેવું હતું એ આ પાત્ર કહી રહ્યું છે. જે કોઇ જોશે તેને આ ફિલ્મ પોતાની લાગશે. કોઇ વસ્તુને વખાણવી કે વખોડવી એ સ્પષ્ટ કરતાં પહેલા તેને જોવી જરૂરી છે.

હર્ષલ માંકડે કહ્યું હતું કે-બદલો લેવો છે કે બદલાવ લાવવો છે? અત્યારે બદલાવનો સમય છે.  કોઇ એવું માનતું હોય કે હું કંઇક બદલાવ લાવી શકુ છું તો તેણે આ ફિલ્મ જોવી જ જોઇએ.

નિર્માતા નિલેષભાઇઃ મને ગર્વ છે કે હું આ ફિલ્મનો નિર્માતા છું. સમગ્ર ટીમ એકદમ પરફેકટ છે. કલ્પના કરતાં પણ ખુબ સારુ કામ થયું છે. આસી ડિરેકટર નિલેષભાઇ ચોવટીયાએ પણ સારુ કામ કર્યુ છે. જીતેન્દ્રભાઇ ઠક્કર, મેહુલભાઇ બુચનો ખુબ સારો સહકાર મળ્યો છે. ફિલ્મ સફળ જશે એવો અમારો વિશ્વાસ છે.

અભિનેત્રીઆસ્થાઃ મારા તો ધબકારા વધી રહ્યા છે ફિલ્મ રિલીઝ વખતે. મારા પર રક્ષિતભાઇ, હર્ષિલભાઇ, નિલેષભાઇએ વિશ્વાસ મુકયો તે સફળ નિવડશે. લોકોને મારું કામ ગમશે એ મારો વિશ્વાસ છે.

દરિયો તો દાનમાં અમે માંગતા નથી,  તરત સમી જશે તમે જાકળ તો ચીતરો...

સુંદર મજાની ચોખ્ખી ચણાક ફિલ્મ થિએટરમાં જઇ ખાસ જૂઓઃ વિરલ રાચ્છ

.શો સંચાલક વિરલ રાચ્છે 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી' વતી કહ્યું હતું કે-આખી ટીમે હિમ્મતથી અનલોકમાં ગાઇડલાઇનનું પાલન કરીને બીરદાવવાનું કાર્ય પ્રેક્ષકોનું છે. નવી ફિલ્મમાંલોકોના સપના, પરસેવા, લાગણી એમ બધુ જ લાગે છે. જોખમ વખતે ફિલ્મ રિલીઝ કરવી એ ખુબ મોટી હિમ્મત છે. આથી આપણે સોૈએ આ સુંદર મજાની ચોખ્ખી ચણાક ફિલ્મ થિએટરમાં જઇને જોવી જ જોઇએ.

દરિયો તો દાનમાં અમે માંગતા નથી, તરત સમી જશે તમે જાકળ તો ચીતરો...તેમ પોતાના આગવા અંદાજમાં વિરલે વધુમાં કહ્યું હતું કે પ્રમાણિક પ્રયાસો વાળી આ ફિલ્મ સોૈએ જોવા જવી જ જોઇએ એમ હું માનુ છું. ૨૦૨૨-૨૩માં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મોની યાદી બને તેમાં યુવા સરકારનું પણ નામ હોય તેવી શુભેચ્છા.

હર્ષલ કહે છે-બે નિર્માતાએ તો  એવું કહી દીધેલુ કે જો નિર્દેશન રક્ષિત કરશે તો અમે પૈસા નહિ રોકીએ!

પણ ખુદ મેહુલભાઇ બુચે રક્ષિત વસાવડાને જ નિર્દેશન કરવા પ્રેરીત કર્યાઃ રક્ષિતની ઇચ્છા હતી કે મેહુલભાઇ નિર્દેશન કરે

. હર્ષલ-એક સમય એવો આવ્યો હતો કે રક્ષિતભાઇએ ખુદ મેહુલભાઇને જ આ ફિલ્મ ડિરેકટ કરવા ઓફર કરી દીધી હતી. એમનું (મહેુલભાઇનું) પાત્ર પણ પહેલા રક્ષિતભાઇ ભજવવાના હતાં. પરંતુ મેહુલભાઇએ ના પાડી કહ્યું કે આ ભુલ ન કરતાં. બે નિર્માતાએ તો એવી શરત મુકી હતી કે તેઓ આ ફિલ્મ માટે પૈસા  તો જ આપશે જો રક્ષિતભાઇ ડિરેકટ ન કરે તો. 

મેહુલભાઇ બુચે એક વાત જણાવી હતી કે પહેલી વાર અમે જ્યારે રાજકોટમાં એક લોકેશન જોવા ગયા ત્યારે રક્ષિતભાઇએ ડરતા-ડરતા મને કહ્યું હતું કે-મેહુલભાઇ તમે જ આ ફિલ્મ ડિરેકટ કરી લો તો સારું.  પણ મેં એને કહ્યું કે પહેલી ફિલ્મ તમારા હાથમાં છે તે તમે આ રીતે કોઇને ન સોંપો. મારે હવે રક્ષિતભાઇને સલાહ આપવાની છે કે એ જરાપણ તપેલા નથી, એ ઠંડુ માટલુ અને શાંત જીવ છે.

કોરોનાકાળને લીધે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફાયદો થયોઃ જે પરાણે થતું એ હવે નહિ થાયઃ મેહુલ બુચ

 .ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશેના સવાલના જવાબમાં અભિનેતા શ્રી મેહુલ બુચે કહ્યુ઼ હતું કે ગુજરાતી ફિલ્મોએ સરસ પીકઅપ કરી લીધુ છેં. હેલારોએ તેમાં ચારચાંદ લગાવી ગુજરાતી ઇન્ડસ્ટ્રીના પાયા મજબુત બનાવ્યા છે. નેશનલ લેવલે પણ લોકો ગુજરાતી ફિલ્મોની નોંધ લઇ રહ્યા છે. કોરોના કાળને કારણે ફાયદો થયો છે કે જે ખરાબ હતું, પરાણે થતું હતું તે ફિલ્ટર થઇ જશે. પહેલા એકસ્ટ્રા પૈસા હતાં એટલે પિકચર બનાવતાં હતાં. પણ હવે લોકો વિષય-કહાની જોઇને હેલારો જેવી ફિલ્મ સાથે સરખામણી કરીને ફિલ્મ બનાવશે.  આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પોઝિટિવ રસ્તા પર છે. ૨૦૨૧ના અંત સુધીમાં ૩૦૦ ગણા આપણે આગળ હોઇશું.

(11:13 am IST)