Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કોરોના તાંડવ મચાવે છે

વિશ્વભરમાં એક જ દિવસમાં આવ્યા ૬ લાખથી વધુ કેસઃ કુલ મૃત્યુઆંક ૧૩ લાખ

નવી દિલ્હી, તા.૧૩: દુનિયાભરમાં શિયાળાની સાથે સાથે કોરોના અટકવાનું નામ લઈ રહ્યો નથી. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૬ લાખથી પણ વધારે નવા કોરોના દર્દી આવ્યા છે. વર્લ્ડોમીટર અનુસાર અત્યાર સુધીમાં ૯૫૯૩ દર્દીના મોત થયા છે. અમેરિકામાં સ્થિતિ વણસી રહી છે. અહીં રોજ લગભગ દોઢ લાખ નવા કેસ આવી રહ્યા છે. દુનિયાભરની વાત કરીએ તો અત્યારસુધીમાં ૫ કરોડ ૩૦ લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થયા છે. જયારે ૧૩ લાખથી વધુના મોત થયા છે.

 કોરોના મહામારીથી સૌથી પ્રભાવિત દેશોમાં અમેરિકા સૌથી ઉપર છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં દોઢ લાખથી વધુ નવા કેસ આવ્યા છે. ભારતમાં ૮૭ લાખથી વધુ દર્દીઓ કોરોના સંક્રમિત થઈ ચૂકયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૩ હજાર કેસ વધ્યા છે. કોરોનાથી ત્રીજો પ્રભાવિત દેશ બ્રાઝિલ છે અહીં ૨૪ કલાકમાં ૩૪ હજાર કેસ નોંધાયા છે. આ પછી ફ્રાન્સ, રશિયા અને સ્પેનનો વારો આવે છે.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૫૦૦થી વધારે લોકોના મોત થયા છે. કુલ મોતનો આંક અહીં ૨ લાખ ૪૨ હજાર ૫૭૭ થયો છે. અમેરિકામાં અત્યારે ૩૮ લાખ ૧૧ હજાર ૯૩૧ એકિટવ કેસ છે જયારે ૬૬ લાખ ૪૮ હજાર ૬૭૯ લોકો સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમેરિકામાં વધારે ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો હોવાનું અનુમાન છે. આ માટે ફાઈઝર કોરોના વેકસીનને જલ્દી મંજૂરી મળે તેવી આશા છે.

ગુરુવારે ભારતમાં કોરોનાના ૪૭૯૦૫ નવા કેસ આવ્યા હતા. તેમાંથી ૭૮ ટકા કેસ ૧૦ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી સામે આવી રહ્યા છે. સૌથી વધુ કેસ દિલ્હીથી ૮૫૯૩ આવ્યા છે. બીજા નંબરે કેરળ અને ત્રીજા નંબરે મહારાષ્ટ્ર છે. દિલ્હીમાં અચાનક કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે.

(11:14 am IST)