Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

કોરોના વેકસીન માટે પૂનાવાલાએ દાવ પર લગાવ્યા ૧૮૬૫ કરોડ રૂપિયા

સીરમ ઈન્સ્ટીટ્યૂટની મેન્યુફેકચરિંગ ક્ષમતા વધારવા માટે લગાવ્યા છે, જેથી ૨૦૨૧ સુધી ૧ અબજ ડોલર ડોઝ બનાવી શકાય

નવી દિલ્હી : અદાર પૂનાવાલા એક ભારતીય અબજોપતિ છે અને તેમની માલિકીની ફર્મ જેટલી વેકસીન બનાવે છે, એટલી આ દુનિયામાં કદાચ જ કોઈ કંપની બનાવતી હશે. જયારે તેમને કોરોના વાયરસ વેકસીનને લઈને ચાલી રહેલી રેસ વિશે પૂછવામાં આવ્યું તો, તેમણે એક અલગ જ મત રજૂ કર્યો. તેમણે કહ્યું કે, કોરોના વેકસીન કોઈ એક કંપની બનાવી શકે તેમ નથી. તેમણે કહ્યું કે, જો કોઈ જણાવે છે કે ,કયાં સુધીમાં કોરોનાને લઈને ઈમ્યુનિટી આવી જશે તો તે માત્ર વાતો કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, ૨૦૨૪ સુધી પણ બધામાં ઈમ્યુનિટી નહીં આવી શકે.

 અદાર પૂનાવાલાએ પોતાના પરિવારના ૨૫૦ મિલિયન ડોલર એટલે કે, લગભગ ૧૮૬૫ કરોડ રૂપિયા દાવ પર લગાવ્યા છે, જેથી તે પોતાની કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની મેન્યુફેકચરિંગ કેપેસિટી વધારી શકે, જેથી ૨૦૨૧ સુધીમાં ૧ અબજ ડોઝ બનાવી શકાય. અદાર જણાવે છે કે, તેમના પિતા સાયરસએ તેમને કહ્યું કે, આ તારા રૂપિયા છે, તને જે ઈચ્છા હોય તે કર.

 પૈસાદાર દેશોએ પહેલા જ કોરોના વેકસીનની સપ્લાયનો એક મોટો ભાગ પોતાના નામે કરી લીધો છે. અમેરિકા, યુકે, જાપાન અને કેનેડા જેવા ધનવાન દેશોએ મોટી-મોટી ડીલ કરી છે, જેથી તે પોતાના દેશની બધી વસ્તીને વેકસીન પૂરી પાડી શકે.દુનિયાના લગભગ ૧૫૦ દેશોમાં વેકસીનને સરખા ભાગે પૂરી પાડવાના પ્રયાસ અંતર્ગત માત્ર ૭૦ હજાર કરોડ ડોઝ જ ફાઈનલ થયા છે.

 ફાઈઝર કંપનીએ વિકાસશીલ દેશોને કોરોના વાયરસની વેકસીન આપવા માટે ઘણી જ ઓછી ડીલ કરી છે. સાથે જ ફાઈઝર વેકસીનને દ્યણા જ નીચા તાપમાને રાખવાની જરૂર પડે છે, જે દુનિયાના મોટાભાગના દેશો માટે એક મોટો પડકાર છે. ઓકસફેમ અમેરિકાના એક સીનિયર સલાહકાર લુસિયાનીએ કહ્યું કે, ધનવાન દેશો વધુમાં વધુ વેકસીન લઈને પોતાના દેશના લોકોને આપવાના પ્રયાસમાં લાગેલા છે, પછી ભલે કેટલાક દેશો સુધી દવાની સપ્લાય પહોંચી ન શકે, જે દ્યણું ખતરનાક છે.

 એવામાં ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ આગળ આવે છે, જે વોલ્યૂમના મામલે દુનિયાની સૌતી મોટી મેન્યુફેકચરર છે. ડ્યુક ગ્લોબલ હેલ્થ ઈનોવેશન સેન્ટરના એક આસિસ્ટન્ટ ડાયરેકટર એન્ડ્ર્યૂ ટેલર મુજબ કોરોના મહામારી પહેલા સુધી ભારત વેકસીનનું પાવરહાઉસ હતું, જે નાના અને મધ્યમ આવક ધરાવતા દેશોને વેકસીન સપ્લાય કરી રહ્યું છે. ટેલરે કહ્યું કે, ચીન અને બ્રાઝીલ પણ મોટી માત્રામાં વેકસીન બનાવે છે, પરંતુ ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટએ ઝડપતી ગ્લોબલ કંપનીઓ સાથે ટાઈ-અપ કર્યું અને પોતાનું પ્રોડકશન વધાર્યું.

(11:18 am IST)