Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ડ્રેગન પર ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક પ્રહાર : ચીનની 31 કંપનીઓમાં અમેરિકાના મૂડીરોકાણ પર પ્રતિબંધ

કોઇ પણ સ્વરૂપે મૂડીરોકાણ કરનાર સિક્યોરિટીઝ - જામીનગીરીઓની ખરીદી પર પ્રતિબંધ મૂકાયો: ટ્રમ્પે એક્ઝિક્યુટિવ આદેશ પર હસ્તાક્ષર કર્યા

ન્યુયોર્કઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની 31 કંપનીઓમાં અમેરિકાના મૂડીરોકાણને પ્રતિબંધિત કરવા માટે એક એક્ઝિક્યુટિવ આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, જે અંગે અમેરિકન વહીવટીતંત્રે કહ્યુ કે, ચીની સેનાની પાસે અથવા તો તેમની માલિકી છે અથવા તેનું નિયંત્રણ ધરાવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ એક્ઝિક્યુટિવ આદેશ પર ગુરુવારે હસ્તાક્ષર કર્યા છે. આ આદેશ મુજબ કોમ્યુનિસ્ટ ચાઇનીઝ સેનાની કંપનીઓમાં કોઇ પણ સ્વરૂપે મૂડીરોકાણ કરનાર સિક્યોરિટીઝ - જામીનગીરીઓની ખરીદી પર પ્રતિબંધ મૂકાયો છે. ટ્રમ્પે પોતાના એક્ઝિક્યુટિવ આદેશમાં કહ્યુ કે, ચીન સંશાધનો હાંસલ કરવા માટે અમેરિકામાંથી જંગી પ્રમાણમાં રોકાણ ખેંચી રહ્યુ છે અને પોતાની સેના, ગુપ્તચર સેવા અને અન્ય સુરક્ષા આવશ્યકતાઓના વિકાસ અને આધુનિકીકરણ કરી રહ્યુ છે તથા જેનાથી અમેરિકન સેનાને સીધો પડકાર ફેંકી શકાય છે.

અમેરિકાનો આ એક્ઝિક્યુટિવ આદેશ 31 ચાઇનીઝ કંપનીઓ પર લાગુ થશે, જે અંગે ટ્રમ્પે કહ્યુ કે, તેનાથી ચીનની સેનાને વિકાસ અને આધુનિકીકરણમાં મદદ મળી રહી છે અને તેનાથી સીધુ અમેરિકા માટે જોખમ છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ પ્રતિબંધિત કંપનીઓમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચર્ર હુવેઇ અને વીડિયો સર્વેલન્સ ઉપકરણ બનાવનાર કંપની હિકવિઝન શામેલ છે. આ ઉપરાંત આ યાંદીમાં ચાઇના ટેલિકોમ અને ચાઇના મોબાઇલ પણ શામેલ છે, જે ન્યુયોર્ક શેરબજારમાં લિસ્ટેડ છે.

ટ્રમ્પે કહ્યુ કે, આ કંપનીઓ અમેરિકાના રોકાણકારોને જામીનગીરીઓ વેચીને નાણાં એક્ત્ર કરે છે અને ચીનને પોતાની સેનાના વિકાસ અને આધુનિકીકરણની માટે અમેરિકાના રોકાણકારોનું શોષણ કરે છે.

(2:02 pm IST)