Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

બિહારના મુખ્યમંત્રીનો નિર્ણય દિવાળી બાદ લેવામાં આવશે

અંતે બિહાર વિધાનસભાનું વિસર્જન : ૧૫મીએ એનડીએના સહયોગી પક્ષો જેડીયુ, ભાજપ, હમ અને વીઆઈપીના નેતાઓની નીતિશના ઘરે બેઠક

પટના, તા. ૧૩ : બિહારના પાટનગર પટનામાં ગુરુવારે નીતીશુ કુમારના ઘરે એનડીએની એક મહત્વની બેઠક યોજાઈ હતી. ઔપચારિક બેઠક બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે આજે બિહાર કેબિનેટની એક બેઠક બોલાવી હતી. એનડીએના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે, ૧૫ નવેમ્બરના રવિવારે ૧૨.૩૦ વાગ્યે પક્ષના તમામ ધારાસભ્યોની એક સંયુક્ત બેઠક યોજાશે જેમાં આગામી નિર્ણય લેવામાં આવશે. દરમિયાન મોડી સાંજે નીતિશકુમારે મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપતા રાજ્યપાલને મળીને વિધાનસભા બરખાસ્ત કરવા જણાવ્યું હતું. એનડીએના ચારેય સહયોગી દળો જેડીયુ, ભાજપ, હમ અને વીઆઈપીના નેતાઓ નીતીશ કુમારના ઘરે ઔપચારિક બેઠકમાં હાજર રહ્યા હતા.

બિહાર કેબિનેટની બેઠકમાં વર્તમાન વિધાનસભાને ભંગ કરવાનો પ્રસ્તાવ પસાર કરાય તેવી સંભાવના છે. વર્તમાન સરકારનો કાર્યકાળ ૨૯ નવેમ્બર સુધીનો છે. પરંતુ બિહાર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને એનડીએને બહુમત મળ્યો છે જેને પગલે સમય કરતા વહેલા વિધાનસભા ભંગ કરવાના પ્રસ્તાવને લીલીઝંડી મળી શકે છે.

ગુરુવારે નીતીશ કુમારે ચૂંટણી જીત્યા પથી સૌપ્રથમ વખતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેમની કોઈ વ્યક્તિગત ચાહના નથી. તેમનો કોઈ દાવો પણ નથી, પરંતુ એનડીએ કોઈ નિર્ણય કરે છે તો અમે તેમની સાથે રહીશું. મુખ્યમંત્રી તરીકે એનડીએના ધારાસભ્યોની બેઠક યોજાશે. આ બેઠક અંગેનો નિર્ણય પણ ટૂંકમાં લેવાશે. ૧૬ નવેમ્બરના શપથવિધિ યોજાશે તેવા પ્રશ્નના જવાબમાં સીએમ નીતીશ કુમારે જણાવ્યું કે હજી સુધી આ અંગે કોઈ નિર્ણય નથી લેવાયો.

(8:03 pm IST)