Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

'M.A. અંગ્રેજી ચાવાળી.' ટુકટુકી દાસ રાતોરાત ફેમસ થઇ : ઘણા લોકો મળવા આવે છે અને સાંત્વના આપે છે

ટુકટુકી પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. તેના ઘણા વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે

કોલકતા :MA અંગ્રેજી ચાવાળી રાતોરાત ફેમસ થઇ છે કોલકાતાની ટુકટુકી દાસના માતા-પિતા હંમેશાં તેને કહેતા રહેતા હતા કે જો તે ખૂબ મહેનતથી અભ્યાસ કરશે તો તે આકાશ સ્પર્શી શકે છે તેઓ ઇચ્છતા હતા કે તે એક શિક્ષિકા બને. ટુકટુકી દાસે સખત મહેનતથી અભ્યાસ કર્યો અને પરીક્ષામાં સારું પ્રદર્શન કર્યું અને અંગ્રેજીમાં M.A. કર્યું પરંતુ M.A.ની ડિગ્રી હોવા છતા ટુકટુકીને નોકરી ન મળી. ટુકટુકી દાસે નોકરી માટે ઘણી પરીક્ષાઓમાં પ્રયાસ કર્યા હતા દરેક સંભવિત પ્રયાસ કર્યા પરંતુ સફળ ન થઈ શકી. આખરે તેણે ચા વેચવાનો નિર્ણય લીધો.

તેણે ઉત્તર 24 પરગણાના હાબરા સ્ટેશનમાં ચાની દુકાન ખોલી. સ્ટેશન પર ટુકટુકીની દુકાન બેનર નજરે પડે છે જેના પર લખેલું હોય છે 'M.A. અંગ્રેજી ચાવાળી.' ટુકટુકીના પિતા વેન ડ્રાઈવર છે અને તેની માતાની એક નાનકડી કરિયાણાની દુકાન છે. પહેલા તો તેઓ ટુકટુકી દ્વારા ચા વેચવાની યોજનાથી ખુશ નહોતા. ટુકટુકી એક 'MBA ચાવાળા'ની કહાનીથી પ્રેરિત હતી જેની બાબતે તેણે ઈન્ટરનેટ પર વાંચ્યુ હતી. ટુકટુકીએ કહ્યું કે મને લાગ્યું કે કોઈ પણ કામ નાનું નથી હોતું અને એટલે મેં MBA ચાવાળાની જેમ પોતાની ચાની દુકાન પર કામ કરવાની શરૂઆત કરી દીધી.

તેણે કહ્યું કે શરૂઆતમાં જગ્યા મળવી મુશ્કેલ હતી પરંતુ ત્યારબાદ હું તેને શોધવામાં સફળ થઈ. હવે હું ચા-નાસ્તો વેચી રહી છે જોકે મારી પાસે M.A.ની ડિગ્રી છે એટલે મેં દુકાનનું નામ આ રીતે રાખ્યું. ટુકટુકીના પિતા પ્રશાંતો દાસે કહ્યું કે શરૂઆતમાં હું તેના નિર્ણયથી ખુશ નહોતો કેમ કે અમે તેને એ આશા સાથે શિક્ષિત કરી કે તે એક શિક્ષિકા બનશે અને તે ચા વેચવા માગતી હતી. મેં પુનર્વિચાર કર્યો અને વિચાર્યું કે જો આત્મનિર્ભર બનવાનો આ તેનો નિર્ણય છે તો એ સારું છે.

ટુકટુકી પોતાની યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. તેના ઘણા વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. ટુકટુકી પોતાના વીડિયોમાં કહે છે કે જ્યારથી હું વાઇરલ થઈ છું ત્યારથી ઘણા લોકો મળવા માટે આવે છે. મને લોકો સાંત્વના આપે છે જે ખૂબ સારું છે પરંતુ કેટલાક લોકો મારા ઘર પર માગા મોકલી રહ્યા છે. મારા માતા-પિતાએ વિચાર્યું હતું કે તું ચા વેચશે તો કોણ લગ્ન કરશે પરંતુ હવે તો લાઇન લાગી રહી છે.

(12:00 am IST)