Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

લોકોને એકઠા કરવામાં વપરાશે ૧૩ કરોડ

મોદીની ૪ કલાકની રેલી માટે ૨૩ કરોડ ખર્ચશે મ.પ્ર. સરકાર

ભોપાલ તા. ૧૩ : ભગવાન બિરસા મુંડાની જયંતિ પર ૧૫ નવેમ્બરને મધ્યપ્રદેશ જનજાતીય ગૌરવ દિવસ રૂપે મનાવશે. આ આખો કાર્યક્રમ આદિવાસીઓને સમર્પીત થવાનો છે. આ અવસરે વડાપ્રધાન મોદી પણ ભોપાલ જશે અને જનસભાને સંબોધિત કરશે. ત્યાં તેઓ પીપીપી હેઠળ બનેલ પહેલા રેલવે સ્ટેશન હબીબગંજનું પણ ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય કેબીનેટે પણ નિર્ણય લીધો છે કે ૧૫થી ૨૨ નવેમ્બર જનજાતીય ગૌરવ સપ્તાહ તરીકે મનાવવામાં આવશે. ભોપાલના જંબોરી મેદાનમાં વડાપ્રધાન મોદીનું ભાષણ સાંભળવા માટે આખા મધ્યપ્રદેશમાંથી લગભગ ૨ લાખ આદિવાસીઓ આવશે. આ આખા મેદાનને કાર્યક્રમ માટે તૈયાર કરાઇ રહ્યું છે અને તેને આદિવાસી કલાઓથી સજાવાઇ રહ્યું છે.

વડાપ્રધાન મોદી ભોપાલમાંથી કુલ ૪ કલાક રહેશે અને મંચ પર તો સવા કલાક જ રહેવાના છે. પણ ભોપાલમાં મોટા મોટા પંડાલ બનાવાઇ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી ૩૦૦ કાર્યકર્તાઓ તૈયારીઓમાં લાગેલા છે. એનડીટીવીના રિપોર્ટ અનુસાર ૨૩ કરોડ રૂપિયા ખર્ચ કરી રહી છે. તેમાંથી ૧૩ કરોડ રૂપિયા તો લોકોને ફકત લાવવા લઇ જવામાં વપરાશે.

માહિતી અનુસાર, ૧૨ કરોડ રૂપિયા લાવવા - લઇ જવામાં, ભોજન અને લોકોને રોકાવાની વ્યવસ્થામાં વપરાશે. લોકોને રોકાવા માટે પાંચ ડોમ બનાવાઇ રહ્યા છે. તેમને બનાવવા, સજાવટ અને પ્રચારમાં કુલ ૯ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. રાજ્યમાં ૪૭ વિધાનસભા બેઠકો આદિવાસીઓ માટે અનામત છે. ૨૦૦૮માં ભાજપાને ૨૯ બેઠકો મળી હતી. ૨૦૧૩માં આ આંકડો વધીને ૩૧ થયો હતો. પણ ૨૦૧૮માં ભાજપાને ફકત ૧૬ બેઠકો જ મળી હતી.

(11:53 am IST)