Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

લાંબો સમય લોકડાઉનમાં રહેવાની અસર

મહામારી પછી ભીડમાં જતાં થાય છે ગભરામણ

મનોવૈજ્ઞાનિકો અનુસાર, આવા લોકો રી-એન્ટ્રી એંગ્ઝાયટીનો શિકાર

નવી દિલ્હી તા. ૧૩ : કોરોના સંક્રમણ નબળુ પડયા પછી લોકો હવે પોતાની જુની જિંદગીમાં પાછા ફરવા તો લાગ્યા છે પણ મોટાભાગના લોકોને ભીડવાળીછ જગ્યાએ જવામાં ગભરાટ થાય છે. મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે લાંબા સમય સુધી લોકડાઉનમાં રહેવાના કારણે તેઓ કોરોના સાથે જીવવાની પધ્ધતિ બાબતે ચિંતીત છે. બ્રિટીશ મનોવૈજ્ઞાનિકોએ આ પ્રકારની ગભરામણ અથવા ચિંતાને રી-એન્ટ્રી એન્ગઝાયરી નામ આપ્યું છે.

અમેરિકન સાયકોલોજીકલ એસોસીએશનનું કહેવું છે કે મહામારી પહેલાના જીવનમાં પાછા ફરવા બાબત લગભગ ૪૭ ટકા લોકો ગભરાટ અનુભવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, મહામારી સામે નિપટવા માટે હવે સરકારો પહેલાની જેમ લોકડાઉન નથી લગાવી રહી, તેમણે મોટાભાગના પ્રતિબંધો હટાવીને અર્થવ્યવસ્થાને ખોલી નાખી છે. મોટાભાગના દેશોની સરકારોનું કહેવું છે કે, બચાવની રીતોનું પાલન કરીને લોકો હવે કોરોના સાથે જીવતા શીખી જાય.

તમે બહાર નીકળ્યા પછી કેવું અનુભવો છો તે મુંઝવણને પોતાના પરિવાર અથવા મિત્રોને જણાવો. પોતાની અંદરના ફેરફારોને શેર કરવામાં શરમાવાની જરૂર નથી કેમકે ઘણાં બધા લોકોને આવી તકલીફ છે. આ પ્રકારની ગભરામણ તમને માનસિક રીતે નબળા બનાવી શકે છે. જો તમે આવી સ્થિતિ તરફ આગળ વધી રહ્યા હો તો તરત ડોકટરની સલાહ લો. આવા પ્રકારની ગભરામણને દુર કરવામાં વ્યાયામ મહત્વપૂર્ણ બને છે. તે તણાવ માટે જવાબદાર એડ્રેના લાઇન અને કોર્ટીસોલ નામના હોર્મોન્સને નષ્ટ કરી નાખે છે. બ્રિટનની એક રજીસ્ટર્ડ મનોવૈજ્ઞાનિક નૂશા અંજબનું કહેવું છે કે સામાન્ય જિંદગીમાં ફરી પાછા ફરવા બાબત થતી ગભરામણ કેટલાક ખતરનાક પરિણામો પણ લાવી શકે છે. તેના લક્ષણો ઝડપથી શ્વાસ લેવા, ધડકન ઝડપી બનવી, પેટમાં દુઃખાવો, ઉલ્ટી અને ઝાડા થવા વગેરે છે. આ સ્થિતિને હળવાશથી લેવી નુકસાનકારક બની શકે છે.

(11:56 am IST)