Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

એક કરોડ રૂપિયાનો ઈનામી અને 40 વર્ષથી વોન્ટેડ નક્સલી કમાન્ડર ઝારખંડથી ઝડપાયો

ટોચના નક્સલવાદી પ્રશાંત બોસ ઉર્ફે કિશન દા ઉર્ફે મનિષ બૂઢા અને તેની પત્ની શીલા મરાંડીને ઝારખંડ પોલીસે ઝડપી પાડ્યા

નવી દિલ્હી :પ્રતિબંધિત નક્સલી સંગઠન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માઓવાદીના ટોચના નક્સલવાદી પ્રશાંત બોસ ઉર્ફે કિશન દા ઉર્ફે મનિષ બૂઢા અને તેની પત્ની શીલા મરાંડીને ઝારખંડ પોલીસે ઝડપી પાડ્યા છે.

પાંચ રાજ્યોનો પ્રમુખ ગણાતો પ્રશાંત બોસ માઓવાદીઓના પોલિટ બ્યુરોનો સભ્ય છે અને તેના પર એક કરોડ રુપિયાનુ ઈનામ પણ છે. તે 40 વર્ષથી વોન્ટેડ જાહેર કરાયેલો છે. તેની ધરપકડથી બીજા રાજ્યોને પણ રાહત થઈ છે. કારણકે અન્ય રાજ્યોમાં માઓવાદી પ્રવૃત્તિઓ પર તેનો પ્રભાવ હતો.

જોકે હજી સુધી પોલીસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરાયો નથી. તેની એક વિડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં પ્રશાંત બોસ, તેની પત્ની અને બીજા બે બોડીગાર્ડ વાહનમાં મુસાફરી કરી રહ્યા હોવાનુ જોઈ શકાય છે.

પ્રશાંતની બાતમી ઈન્ટેલિજન્સ બ્યૂરોને મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને સ્કોરપિયોમાં જઈ રહેલા પ્રશાંતને રસ્તામાં જ આંતરી લીધો હતો. તેની પત્ની શીલા પણ માઓવાદીની ટોચની સેન્ટ્રલ કમિટીના સભ્ય હોવાની સાથે સાથે મહિલા માઆવોદીના સંગઠનની પ્રમુખ છે.

પ્રશાંતની વય 80 વર્ષની છે અને તેની પત્ની 70 વર્ષની છે. એવુ મનાઈ રહ્યુ છે કે, તેની ગુપ્ત જગ્યાએ પૂછપરછ કરવામાં આવી રહી છે.

(7:18 pm IST)