Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

દક્ષિણાના પૈસા રાખી લેનારા પૂજારીને નોટિસ ફટકારાઈ

રતલામમાં આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરની ઘટના : તંત્રની કાર્યવાહી સામે હિન્દુ સંગઠનોમાં આક્રોશ, સંગઠનના કાર્યકરોએ મંદિર પહોંચીને પૂજારીનુ સન્માન કર્યું

ભોપાલ, તા.૧૩ : મધ્યપ્રદેશના રતલામમાં આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરમાં પૂજારીએ દક્ષિણાના પૈસા પોતે રાખી લીધા હોવાનો વિડિયો સામે આવ્યા બાદ તંત્ર દ્વારા પૂજારીને નોટિસ ફટકારવામાં આવી હતી.

જેના પગલે હિન્દુ સંગઠનોમાં આક્રોશ વ્યાપી ગયો હતો.સંગઠનના કાર્યકરોએ મંદિર પહોંચીને પૂજારીનુ સન્માન કર્યુ હતુ અને તેમને ફરી દક્ષિણા આપતો વિડિયો ઉતારીને તંત્રને પડકાર ફેંક્યો હતો કે, હિંમત હોય તો સરકાર કાર્યવાહી કરે.

ઉલ્લેખનીય છે કે, મંદિરમાં દિવાળી નિમિત્તે પાંચ દિવસ ઉજવણી થઈ હતી. દરમિયાન પૂજારી દ્વારા દાનમાં મળેલા પૈસા પોતાના ખિસ્સામાં મુકાયા હોવાનો વિડિયો વાયરલ થયો હતો.બીજી તરફ કલેકટરે મામલાની તપાસના આદેશ આપ્યા છે.

મંદિરમાં દિવાળીના પાંચ દિવસ દરમિયાન વધારે ભક્તો આવતા હોય છે અને દાન પણ સમયમાં વધારે આવતુ હોય છે.મંદીર સરકારના નિયંત્રણ હેઠળ હોવાથી દાનની રકમ પર સરકારનો હક હોય છે અને તેના કારણે તંત્રે પૂજારીને નોટિસ આપી છે.

જોકે હિન્દુ સંગઠને નોટિસનો વિરોધ કરીને કહ્યુ છે કે, પૂજારીએ દાનની રકમ નહીં પણ દક્ષિણાની રકમ પોતાની પાસે રાખી હતી.

ભાવિકોને દાન આપવુ હોત તો તેઓ દાનપેટીમાં પૈસા મુકી શક્યા હોત.પૂજારીના હાથમાં ભાવિકોએ જે રકમ આપી છે તે દક્ષિણા કહેવાય છે અને તેના પર પૂજારીનો હક હોય છે.

(7:34 pm IST)