Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

પહેલા અહીં જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણનું રાજ ચાલતું હતું

આઝમગઢમાં અખિલેશ પર અમિત શાહનો હુમલો : અમારી સરકારમાં JAM નો અર્થ છે- Jથી જનધન બેન્ક એકાઉન્ટ, Aથી આધાર કાર્ડ, M દરેક વ્યક્તિને મોબાઇલ

આઝમગઢ, તા.૧૩ : બે દિવસીય પ્રવાસ પર ઉત્તર પ્રદેશ પહોંચેલા ભાજપ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે આઝમગઢમાં જનસભાને સંબોધિત કરતા પૂર્વની સરકારો પર હુમલો કર્યો છે. શાહે કહ્યુ કે, આઝમગઢને પહેલા કટ્ટરવાદી વિચાર અને આતંકવાદના ઘરના રૂપમાં ઓળખવામાં આવતું હતું. સાથે તેમણે જિન્ના, આઝમ ખાન અને મુખ્તારનો ઉલ્લેખ કરી સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પર નિશાન સાધ્યુ છે.

આઝમગઢમાં સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યા બાદ જનસભાને સંબોધિત કરતા શાહે કહ્યુ- આજે આઝમગઢમાં વિશ્વવિદ્યાલયનો શિલાન્યાસ થઈ રહ્યો છે. જે આઝમગઢને સપા સરકારમાં દુનિયાભરમાં કટ્ટરવાદી વિચાર અને આતંકના ગઢના રૂપમાં ઓળખવામાં આવતું હતું, તે આઝમગઢની ધરતી પર આજે માતા સરસ્વતીનું ધામ બનાવવાનું કામ થવા જઈ રહ્યું છે.

અમિત શાહે આઝમગઢથી પૂર્વ સીએમ અખિલેશ યાદવ પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું- અમારી સરકારમાં JAM નો અર્થ છે- Jથી જનધન બેક્ન એકાઉન્ટ, છથી આધાર કાર્ડ, M દરેક વ્યક્તિને મોબાઇલ. તો સમાજવાદી પાર્ટી માટે JAM નો અર્થ છે- Jથી જિન્ના, આઝમ ખાન, Mથી મુખ્તાર.

શાહે કહ્યુ કે, પહેલા અહીં જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણનું રાજ ચાલતું હતું, બધાને ન્યાય મળતો નહોતો. યોગીજીએ જાતિવાદ, પરિવારવાદ અને તુષ્ટિકરણ પર પૂર્ણ વિરામ લગાવવાનું કામ કર્યું છે. ઉત્તર પ્રદેશને માફિયા રાજથી મુક્તિ અપાવવાનું કામ યોગીજીની સરકારે કર્યુ છે. આઝમગઢ તેનું ઉદાહરણ છે. કૈરાનાથી લોકો પલાયન કરી રહ્યા હતા. દિકરીઓને ઉચ્ચ શિક્ષણ મળવામાં મુશ્કેલી હતી. આજે માફિયાઓ ઉત્તર પ્રદેશ છોડીને ચાલ્યા ગયા છે. હવે અહીં કાયદાનું રાજ છે.

તેમણે કહ્યું- અમે ૨૦૧૭માં અમારા મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે ૧૦ નવી વિશ્વવિદ્યાલય બનાવીશું. આજે ૧૦ વિશ્વવિદ્યાલય બનાવવાનું કામ પૂરુ થી ચુક્યુ છે. ૪૦ મેડિકલ કોલેજ બનાવવાનું વચન અમે આપ્યું હતું, તે વચન પણ પૂરુ કર્યું છે. અમિત શાહે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગીની પ્રશંસા કરતા કહ્યુ કે, તેમણે ઘણા પરિવર્તન કર્યા છે.

(9:45 pm IST)