Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

સાંસદ કલ્યાણ બેનર્જીનું માથું કાપનારને ૫ કરોડનું ઈનામ

અયોધ્યાના મહંત પરમહંસ દાસની જાહેરાત : ઉત્તરપ્રદેશની કાયદા વ્યવસ્થા પર કટાક્ષ કરતા બેનર્જીએ માતા સીતા પર અભદ્ર ટિપ્પણ કરતા ભારે વિવાદ સર્જાયો

કોલકાતા, તા. ૧૩ : હાલમાં જ ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ યૂપીની કાયદા વ્યવસ્થા પર કટાક્ષ કરતા મા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. તેનાથી રામનગરી અયોધ્યામાં ખાસ કરીને સંતો ઘણા જ નારાજ થયા છે. તપસ્વી છાવણીના મહંત પરમહંસ દાસે ટીમએસી સાંસદ પર રાસુકા લગાવવાની માંગ કરી છે. રાસુકા ના લગાવવા પર તેમનું માથું કાપનારાને ૫ કરોડ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું છે. પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચાર દરમિયાન ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ યૂપીની કાયદા વ્યવસ્થા પર મજાક કરતા એક નિવેદન આપ્યું હતુ. તેમના આ નિવેદનનો વિડીયો ઘણો જ વાયરલ થયો.

આ વિડીયોને જોયા બાદ અયોધ્યાના સંતોમાં ઘણો જ આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિડીયોને લઈને અયોધ્યાના સંતો મહંત પરમહંસ દાસે કલ્યાણ બનેર્જીને રાક્ષસ સુધી કહી દીધું, સાથે જ તેમના પર રાસુકા લગાવવાની માંગ કરી છે. રામ મંદિર નિર્માણ માટે આમરણ ઉપવાસ કરીને ચર્ચામાં આવેલા સંત પરમહંસ દાસે કહ્યું કે, કલ્યાણ બેનર્જી ઉપર રાસુકાની કાર્યવાહી કરવામાં આવવી જોઇએ, નહીં તો સંતોએ પણ ધર્મની રક્ષા માટે શસ્ત્રો ઊઠાવવા પડશે.

તેમણે કહ્યું કે, મા સીતા પર કરવામાં આવેલી ટિપ્પણી અક્ષમ્ય છે. પરમહંસે કહ્યું કે, કલ્યાણ બેનર્જી ઉપર કાર્યવાહી ના થઈ તો તેનું માથું કાપનારાને અમે ૫ કરોડ રૂપિયા ઇનામ આપીશુ. સસ્તી રાજનીતિ માટે દેવતાઓનું અપમાન થઈ રહ્યું છે. આના પર તાત્કાલિક રોક લાગવી જોઇએ." એફઆઈઆર નોંધવામાં આવ્યા બાદ હવે મામલો પ્રયાગરાજના માઘ મેળા સુધી પહોંચી ગયો છે. તેમના આ નિવેદનથી શિવ યોગી મૌની મહારાજ નારાજ થઈ ગયા છે. આ સાથે જ તેઓ મંગળવારથી ઉપવાસ પર બેઠા છે. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે કલ્યાણ બેનર્જીની સદસ્યતા રદ્દ કરવા કહ્યું છે.

મૌની મહારાજે કલ્યાણના નિવેદનને હિંદુઓની આસ્થા પર પ્રહાર ગણાવ્યો. તેમણએ કહ્યું કે, તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીએ ના ફક્ત સીતા માતાને ગાળ આપી છે, પરંતુ ભારતીય સંસ્કૃતિનું અપમાન કર્યું છે અને ભગવાન રામની મર્યાદાને પણ ક્ષીણ કરવાનું કામ કર્યું છે.

(12:00 am IST)