Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સેન્સેક્સમાં ૬૬૧, નિફ્ટીમાં ૧૯૪ પોઈન્ટનો ઊછાળો

રસીઓને ઝડપી મંજૂરી પ્રક્રિયાના સમાચારથી તેજી : સેન્સેક્સના ૩૦ શેરોમાં ૨૩ શેર ઊંચા મથાળે બંધ થયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ૭.૮૧ ટકાનો ઉછાળો

મુંબઈ, તા. ૧૩ : સરકાર દ્વારા કોવિડ -૧૯ રસીઓની તાત્કાલિક મંજૂરી પ્રક્રિયામાં ઝડપ લાવવાના કારણે શેર બજારમાં આજે તેજી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ ૬૬૧ પોઈન્ટ એટલે કે ૧.૪ ટકા વધીને ૪૮,૫૪૪ ની સપાટીએ બંધ રહ્યો છે. ટ્રેડિંગ દરમિયાન, તે ૪૮,૬૨૭ પોઇન્ટની ટોચ અને ૪૭,૭૭૫ પોઇન્ટની નીચી સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી પણ ૧૯૪ પોઇન્ટ અથવા ૧.૩૬ ટકાના વધારા સાથે ૧૪,૫૦૫ ની સપાટીએ બંધ રહ્યો હતો.

સેન્સેક્સના ૩૦ શેરોમાં ૨૩ શેર ઊંચા મથાળે બંધ થયા છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ૭.૮૧ ટકા, બજાજ ફિનસર્વ ૬.૪૩ ટકા અને મારુતિ સુઝુકીમાં ૪ ટકાનો ઉછાળો આવ્યો છે. બીજી તરફ, ટીસીએસ, ડીઆરએલ અને ટેક મહિન્દ્રાના શેરોમાં કશાન થયું હતું. નિફ્ટી આઇટી અને ફાર્મા સૂચકાંકો સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો તેજી સાથે બંધ થયા છે. પ્રોફિટ બુકિંગને કારણે નિફ્ટી આઇટીમાં ૩% અને ફાર્મા ઈન્ડેક્સમાં ૧% ઘટાડો થયો છે. નિફ્ટી પીએસયુ બેંક ઈન્ડેક્સ ચાર ટકા, નિફ્ટી બેક્ન, ખાનગી બેંક, ફાઇનાન્સિયલ સર્વિસીસ, મેટલ અને રીયલ્ટી ઈન્ડેક્સ ૩ થી ૪ ટકા વધ્યા છે.

સેન્સેક્સ અગાઉના સત્રમાં ૧૦૮ પોઈન્ટના વધારા સાથે ૪૭,૯૯૧ પોઇન્ટના સ્તર પર ખુલવા સાથે સેન્સેક્સ ૪૭,૮૮૩ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી આજે ૫૪ પોઇન્ટના વધારા સાથે ૧૪,૩૬૪ પોઇન્ટની સપાટીએ ખુલ્યો, જે પાછલા સત્રમાં ૧૪,૩૧૦ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારે સેન્સેક્સ ભારે વેચાણના દબાણ હેઠળ ૧૭૦૮ પોઇન્ટ તૂટીને ૪૭,૮૮૩ ની સપાટીએ બંધ રહ્યો હતો અને નિફ્ટી પણ ૫૨૪ પોઇન્ટ તૂટીને ૧૪,૩૧૦ પર સ્થિર થયો હતો.

(12:00 am IST)