Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

વડાપ્રધાન મોદી ચૂંટણીમાંથી થોડુ ધ્યાન ગુજરાત તરફ આપે તેવી સોશ્યલ મીડિયામાં ધુમ ચર્ચા

સારવારમાં અંધાધુંધી ફેલાતા પરિવારજનો મોદીને યાદ કરી રહ્યા છે

નવી દિલ્હી,તા. ૧૪: ગુજરાતમાં કોરોના કેસ બેફામ રીતે વધી રહ્યા છે અને સરકારી તંત્ર દર્દીઓને અનેક સુવિધાઓ પાડવામાં નિષ્ફળ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયામાં લોકો નરેન્દ્રભાઇ મોદીને યાદ કરી રહ્યા છે. ગુજરાતમાં લોકોની હાલત ખરાબ થઇ રહી છે ત્યારે મોદી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાંથી થોડો સમગ કાઢીને ગુજરાત ઉપર ધ્યાન આપીને લોકોને રાહત મળે અને વ્યવસ્થા ગોઠવાય તેવા પગલા લેવા માર્ગદર્શન આપે તેવી માગ નાગરિકો દ્વારા થઇ રહી છે. જો વહેલી તકે રાજ્યમાં કોરોનાના દર્દીઓને પડતી મુશ્કેલીઓ દૂર નહીં કરાય તો સ્થિતી વધુ વણસી જશે તેવી ભીતિ પણ લોકો વ્યકત કરી રહ્યા છે.

રાજ્યમાં રોજેરોજ રેકર્ડ બ્રેક સંખ્યામાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને વધી રહેલો મૃત્યુઆંક પણ લોકોને ગભરાવી રહ્યો છે. અમદાવાદ જેવા સૌથી વધુ વિકિસત શહેરની સિવિલ હોસ્પિટલમાં રોડ સુધી એમ્બ્યુલન્સની કતાર જોવા મળે તેટલી હદે અવ્યવસ્થા ફેલાઇ ગઇ છે. દર્દીઓને જરૂરિયાત મુજબ રેમેડેસિવીર અને ટોસીલીઝમેબ ઇન્જેકશન મળી રહ્યા નથી.

કોરોના થવાનો ખતરો વહોરીને અજાણ્યા લોકો સાથે કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને ઇન્જેકશન કયારે મળે તેની રાહ જોવી પડે તેની અંધાધૂંધી છે. ઓકિસજનની અછત છે. કોરોનાના દર્દી માટે ટેસ્ટીંગ કિટ ખૂટી જવાના દાખલા છે. આ સંજોગોમાં સોશિયલ મીડિયા ઉપર હવે નરેન્દ્ર મોદી જ ગુજરાત માટે કંઇક કરે તેવા સંદેશા શરૂ થયા છે.

પશ્ચિમ બંગાળની ચૂંટણી જીતવાની લ્હાયમાં મોદી ગુજરાત અને ગુજરાતીઓની હાલત ભૂલી રહ્યા હોવાની ફરિયાદો પણ થઇ રહી છે. ગુજરાત કોરોનામાં સપડાયું તે પૂર્વે દરેક મહિને મોદી ગુજરાત આવતા હતા. પરંતુ માર્ચ મહિનાથી રાજ્યમાં કોરોના કેસ વધ્યા બાદ મોદી એક પણ વખત ગુજરાત આવ્યા નથી. હાલના સંજોગોમાં સરકારી તંત્રને તેમના અસરકારક માર્ગદર્શનની જરૂર છે.

કોરોનાના દર્દીને યોગ્ય સારવાર ન મળતી હોય ત્યારે તેમના પરિવારજનો પણ મોદી ખરા સમયે ગુજરાત ઉપર ધ્યાન આપીને મદદ કરે તેવી માંગણી કરી રહ્યા છે.

(10:12 am IST)