Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

કોરોના વેકિસનથી નહીં પણ ગર્ભનિરોધક ગોળીઓ અને સિગારેટ પીવાથી જામે છે લોહીના ગઠ્ઠા

અમુક યુરોપિયન દેશોએ એસ્ટ્રાજેનેકા વેકિસન પર કામચલાઉ પ્રતિબંધ મુકયો

નવી દિલ્હી, તા. ૧૪: છેલ્લા કેટલાક દિવસથી કોરોના વેકિસનના કારણે લોહીના ગઠ્ઠા જામતા હોવાના સમાચારે જોર પકડ્યું છે. એસ્ટ્રાજેનેકા વેકિસન લીધા બાદ લોહીના ગઠ્ઠા જામતા હોવાની વાત સામે આવ્યા બાદ અનેક યુરોપિયન દેશોએ તેના પર કામચલાઉ પ્રતિબંધ જાહેર કર્યો છે. આ બધા વચ્ચે અમેરિકામાં લોહીના ગઠ્ઠા જામવાના રિપોર્ટની તપાસને લઈ જોન્સન એન્ડ જોન્સનની એક ડોઝની કોરોના વેકિસન પર પણ કામચલાઉ પ્રતિબંધ મુકવાની ભલામણ કરવામાં આવી છે. તો શું ફકત વેકિસનના કારણે જ શરીરમાં લોહી જામે છે કે તેના પાછળ બીજા કારણો પણ જવાબદાર છે?

સ્પેનના ડોકટર મારિયા લિયોનોર રામોસે ગ્રાફિક બનાવીને શરીરમાં લોહી જામવાનું જોખમ કયા કારણે સર્જાઈ શકે તે સમજાવવા પ્રયત્ન કર્યો હતો. જો ૧૦ લાખ લોકોને એસ્ટ્રાજેનેકા વેકિસન આપવામાં આવે તો તે પૈકીના માત્ર ૪ કેસમાં લોહી જામવાનું જોખમ રહેલું છે. મતલબ કે માત્ર ૦.૦૦૦૪ ટકા.

જયારે બર્થ કંટ્રોલ પિલ્સ એટલે કે ગર્ભનિરોધક ગોળીઓ લેનારી ૧૦ લાખ પૈકીની ૫૦૦થી ૧,૨૦૦ મહિલાઓમાં લોહી જામવાની સમસ્યા જોવા મળે છે. મતલબ કે, ૦.૦૫થી ૦.૧૨ ટકા. ધુમ્રપાન કરનારા ૧૦ લાખ સ્મોકર્સમાંથી ૧,૭૬૩ લોકોમાં લોહીના ગઠ્ઠા જામવાની સમસ્યા જોવા મળે છે. મતલબ કે, ૦.૧૮ ટકા. જે લોકોને કોરોના થયો છે તેવા ૧૦ લાખ લોકોમાંથી ૧,૬૫,૦૦૦ એટલે કે ૧૬.૫ ટકા લોકોમાં લોહી જામવાનું જોખમ રહે છે.

(3:43 pm IST)