Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

આનંદો : રસીની અછતની સમસ્યા થશે દૂર : 5 મહિનામાં ભારત આવશે 216 કરોડ ડોઝ

55 કરોડ ડોઝ કોવેક્સિન, 75 કરોડ કોવિશિલ્ડ, 30 કરોડ બાયો ઈ સબ યુનિટ વેક્સિન, 5 કરોડ ઝાયડસ કેન્ડિલા ડીએનએ, 20 કરોડ નોવાવેક્સિન, 10 કરોડ ભારત બાયોટેક નેજલ રસી, 6 કરોડ જીનોવા અને સ્પુતનિકના 15 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે

નવી દિલ્હી : દેશમાં હાલમાં કોરોના રસીની અછત છે. ઘણા રાજ્યોએ રસીકરણ બંધ કરી દીધું છે, ક્યાંક રસીકરણની ગતિ ધીમી છે, અને ક્યાંક 18 થી 44 વર્ષની વયના લોકોનું વેક્સિનેસન પણ બંધ કરાયું છે, ઘણા રાજ્યો વૈશ્વિક ટેન્ડર કાઢવાની તૈયારી કરી રહ્યા છે. તે દરમિયાન આજે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકારે દાવો કર્યો છે કે 5 મહિનાની અંદર રસીનો અભાવ દૂર થઈ જશે એટલું જ નહીં પણ દેશની વસ્તી કરતા વધારે 216 કરોડ ડોઝ ઉપલબ્ધ કરવામાં આવશે.

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે રસીના અભાવના ઘણા કેસ સામે આવ્યાં છે. રસીનો અભાવ હોવાનો દાવો કરતા ઘણા રાજ્યો કેન્દ્ર સરકાર પાસે તેની સપ્લાય વધારવાની માંગ કરી રહ્યાં છે.

પરંતુ આ બધાની વચ્ચે, રસીની ઉણપનો મુદ્દો આગામી કેટલાક મહિનામાં ઉકેલી શકાશે. નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પૌલે કોરોના રસી વિશે મહત્વપૂર્ણ માહિતી આપી છે

ડો. પોલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આગામી ઓગસ્ટથી ડિસેમ્બર એટલે કે 5 મહિનાની વચ્ચે, દેશમાં રસીના 216 કરોડ ડોઝ આવી જશે. તેમણે કહ્યું કે જો આપણે ઓગસ્ટથી ડિસેમ્બર સુધી દેશમાં રસીની ઉપલબ્ધતા પર નજર કરીએ તો કુલ 216 કરોડ રસી ડોઝ ઉપલબ્ધ થવાની ધારણા છે.

નીતિ આયોગના સભ્યએ વધુમાં જણાવ્યું છે કે 216 કરોડ રસી ડોઝમાંથી 55 કરોડ ડોઝ કોવેક્સિન, 75 કરોડ કોવિશિલ્ડ, 30 કરોડ બાયો ઈ સબ યુનિટ વેક્સિન, 5 કરોડ ઝાયડસ કેન્ડિલા ડીએનએ, 20 કરોડ નોવાવેક્સિન, 10 કરોડ ભારત બાયોટેક નેજલ રસી, 6 કરોડ જીનોવા અને સ્પુતનિકના 15 કરોડ ડોઝ ઉપલબ્ધ થશે. આ સિવાય અન્ય વિદેશી રસી પણ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 18 વર્ષથી વધુની વસ્તી 95 કરોડ છે. બંને ડોઝ સાથે મળીને લગભગ 2 અબજ ડોઝની જરૂર પડશે

(11:28 pm IST)