Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રાવતનો બફાટ

કોરોના પ્રાણી છે : તેને પણ જીવવાનો હકક

સોશ્યલ મીડિયામાં વિડિયો વાયરલ : લોકોએ કરી ટીકા

દહેરાદૂન,તા.૧૪: ઉત્ત્।રાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કોરોના વાયરસને લઈને એવું વિચિત્ર નિવેદન આપ્યું છે જેને પચાવવું મુશ્કેલ છે. રાવતનું કહેવું છે કે કોરોના વાયરસ પણ એક પ્રાણી છે અને તેને પણ જીવવાનો હક છે. પૂર્વ સીએમના દાર્શનિક અંદાજમાં અપાયેલું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તેમની આ અંગે ટીકા પણ થઈ રહી છે.

એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું કે હું દાર્શનિક પક્ષ સાથે આ વાત કરી રહ્યો છું. વાયરસ પણ એક પ્રાણી છે અને આપણે પણ. આપણ આપણી જાતને સૌથી વધુ બુદ્ઘિશાળી માનીએ છીએ પરંતુ તે પ્રાણી જીવવા માંગે છે અને તેને પણ તે હક છે. રાવત એટલેથી ન અટકયા. તેમણે ક હ્યું કે આપણે કોરોના વાયરસની પાછળ લાગી ગયા છીએ. તે રૂપ બદલી રહ્યો છે. બહુરૂપિયો થઈ ગયો છે. આથી વાયરસથી અંતર બનાવીને ચાલવું પડશે.

પૂર્વ મુખ્યમંત્રીએ કોરોના અંગે કહ્યું કે તૂ પણ ચાલતો રહે અને અમે પણ ચાલતા રહીએ. બસ આપણે એટલી ઝડપથી ચાલવું પડશે જેથી કરીને તે પાછળ રહી જાય. આપણે આ પહેલુ તરફ વિચારવાની જરૂર છે. તે પણ એક જીવન છે અને પોતાનું જીવન બચાવવા માટે તે તમામ રૂપ બદલી રહ્યો છે. ભાજપ નેતા રાવતનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. જો કે તેમના સમર્થકોનું કહેવું છે કે પૂર્વ મુખ્યમંત્રીએ લોકોને મહામારીથી બચવા માટે ચેતવ્યા છે.

કોરોનાને લઈને નિવેદનબાજીમાં મધ્ય પ્રદેશના પર્યટન  અને સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુર પણ પાછળ નથી. તેમણે હાલમાં જ કહ્યું હતું કે યજ્ઞ કરવાથી કોરોનાની ત્રીજી લહેર ભારતને સ્પર્શી શકશે પણ નહી. ઠાકુરે કહ્યું હતું કે પર્યાવરણને શુદ્ઘ કરવા માટે યજ્ઞ કરો અને તેમાં બધા આહૂતિ પણ નાખો. શિવરાજ સરકારના મંત્રીએ કહ્યું હતું કે કર્મકાંડ અને અંધવિશ્વાસ નથી પરંતુ પર્યાવરણને શુદ્ઘ કરવા માટે યજ્ઞ ચિકિત્સા છે. કોરોનાની ત્રીજી લહેર પ્રત્યે બધા જાગૃત છે. મને પૂરેપૂરી આશા છે કે આપણે ત્રીજી લહેરને પણ પહોંચી વળીશું કારણ કે જયારે બધાના સંયુકત પ્રયત્નો પવિત્ર ભાવથી થાય છે તો કોઈ મુસિબત ટકી શકતી નથી.

(10:12 am IST)