Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

દેશભરમાં કોરોનાના કેસ ઘટયા પણ મૃત્યુનો આંકડો ચિંતાજનક

૨૪ કલાકમાં ૩,૪૩,૧૪૪ કેસ : ૪૦૦૦ના મોત

નવી દિલ્હી તા. ૧૪ : કોરોના વાયરસની બીજી લહેરનું તાંડવ દેશભરમાં ચાલુ છે અને રોજે રોજ લગભગ ૪ હજાર જેટલા લોકો આ મહામારીના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કોવિડ-૧૯ના નવા કેસમાં થોડો ઘટાડો જરૂર થયો છે પરંતુ મોતનો આંકડો હજુ પણ ચિંતાજનક છે. દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩.૪૩ લાખથી વધુ કેસ નોંધાયા છે. જયારે ૪૦૦૦ લોકોના મૃત્યુ થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૩,૪૩,૧૪૪ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૨,૪૦,૪૬,૮૦૯ પર પહોંચ્યો છે. જેમાંથી ૨,૦૦,૭૯,૫૯૯ લોકો ડિસ્ચાર્જ થયા છે. કોરોનાને માત આપીને એક દિવસમાં ૩,૪૪,૭૭૬ લોકો રિકવર થયા. કોરોનાએ છેલ્લા ૨૪ કલાકમાં ૪૦૦૦ લોકોનો ભોગ લીધો. આ સાથે કુલ મૃત્યુનો આંકડો ૨,૬૨,૩૧૭ પર પહોંચી ગયો છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૩૭,૦૪,૮૯૩ લોકોને રસી આપવામાં આવી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ ગઈ કાલે ગુરુવારે સમગ્ર દેશમા કોરોનાના ૧૮,૭૫,૫૧૫ ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધીમાં કરાયેલા કોરોના ટેસ્ટનો આંકડો ૩૧,૧૩,૨૪,૧૦૦ પર પહોંચી ગયો છે.

રાજય આરોગ્ય વિભાગે ગુરૂવારે જાહેર કરેલા આંકડા મુજબ ૨૪ કલાકમાં રાજયભરમાંથી કોરોનાના નવા ૧૦,૭૪૨ દર્દીઓ નોંધાયા છે. જયારે ૧૫,૨૬૯ દર્દીઓ રિકવર થયા છે. એક દિવસમાં કોરોનાથી ૧૦૯ દર્દીઓએ જીવ ગુમાવ્યા.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના છેલ્લા ૨૪ કલાકમાં ૪૨૫૮૨ કેસ નોંધાયા છે. જયારે આ દરમિયાન ૮૫૦ લોકોએ કોરોનાથી જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ અગાઉ રાજયમાં બુધવારે કોરોનાના ૪૬ હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા જયારે ૮૧૬ લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં હાલ કોરોનાનો મૃત્યુદર ૧.૫ ટકા છે. જયારે પોઝિટિવિટી રેટ ૧૭.૩૬ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ૫૪૫૩૫ દર્દીઓ રિકવર થયા છે. ત્યારબાદ રાજયમાં કોરોના રિકવરી રેટ ૮૮.૩૪ ટકા પહોંચી ગયો છે.

(10:56 am IST)