Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ચોમાસામાં સર્જાઇ શકે છે મુશ્કેલ સ્થિતિ

ગંગાકિનારે દફન કરવામાં આવેલી ૫૦૦ લાશો બહાર આવી ગઇ

લખનૌ તા. ૧૪ : ઉત્તરપ્રદેશમાં કાનપુરથી ૭૦ કિલોમીટર દૂર આવેલા ઉન્નાવમાં ગંગા કિનારે ખાડો કરીને દાટી દેવામાં આવેલ ૫૦૦થી વધારે શબ ઉપર આવી જતાં ચકચાર મચી ગઇ છે. અહેવાલો અનુસાર રાત્રે ભારે વરસાદના કારણે ગંગામાં પાણીનું સ્તર વધી ગયું હતું. કાંઠા પર દાટવામાં આવેલી લાશો પાણીના દબાણના કારણે બહાર આવી ગઈ હતી. લોકોને જાણ થતાં લોકો ઊમટી પડયાં હતાં અને તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ લાશોનો નિકાલ કરવાના બદલે તેના પર માટી નાખીને તેને ઢાંકી દેવાનો પ્રયાસ કર્યો હોવાનો લોકો આરોપ મૂકે છે. કેટલાક અધિકારીઓએ દલીલ કરી હતી કે લાશો એટલી બધી સડી ગઈ હતી કે તેને કાઢવી શકય ન હતી તેથી તેના પર માટી નાખી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગની લાશો કેસરી કપડામાં વીંટાળેલી હતી.

ઉન્નાવના ડીએમે જણાવ્યું હતું કે વિસ્તારના કેટલાક લોકો લાશને દફનાવે છે. હાલમાં તેમાં કોઈ કામગીરી થાય તેમ નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે જો અમે લાશોને બહાર કાઢીએ તો તેને કારણે કદાચ કાયદો અને વ્યવસ્થાની મુશ્કેલી પણ સર્જાઇ શકે છે.

એક સ્થાનિક વ્યકિતએ જણાવ્યું હતું કે ચોમાસુ માંડ એક મહિનો દૂર છે અને એક વાર ગંગામાં પાણી ભરાઇ ગયા બાદ આ લાશો કિનારે આવી જશે. જિલ્લા તંત્રે લાશોને અહીથી હટાવવી જોઈએ અને તેનો અંતિમ સંસ્કાર કરવો જોઇએ. ગરીબો પૈસાના અભાવે મૃતદેહો દફનાવી દે છે.

(11:28 am IST)