Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ગોવામાં હજુ ઓકસીજનની અછત : વધુ ૧૩ દર્દીના મરણ : ૪ દિ'માં જ ૭૫ના થયા મોત

કેન્દ્ર પાસે હસ્તક્ષેપની માંગ : ઓકસીજન નહિ મળતો હોવાની ફરિયાદ

પણજી તા. ૧૪ : ગોવા મેડિકલ કોલેજમાં ઓકસીજનની અછતથી ૧૫ કોરોના દર્દીના મોત થયા છે. રાજ્યમાં છેલ્લા ૪ દિવસમાં ૭૫ કોરોના દર્દીના ઓકસીજનના અભાવને લીધે મૃત્યુ થયા છે. બે દિવસ પહેલા પણ એ જ હોસ્પિટલમાં ઓકિસજનના અભાવથી ૨૬ દર્દીના મોતથી હાહાકાર મચ્યો છે. આ મામલે બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ગોવા સરકારે ઓકિસજનની સેવા ખોરવાય છે. તેની પાછળ એકસપર્ટ ટ્રેકટર ડ્રાઇવરની અછતનો હવાલો આપ્યો. જેના પર હાઇકોર્ટે ફટકાર પણ લગાવી.

બોમ્બે હાઇકોર્ટે ગોવા સરકારને સખ્ત આદેશ આપીને તે સુનિશ્ચિત કરવા કહ્યું હતું કે, હોસ્પિટલમાં ઓકિસજનની અછતથી વધુ લોકોના જીવ જવા જોઇએ નહિ. જાણવા મળી રહ્યું છે કે હોસ્પિટલમાં ઓકસીજનની અછતથી પણ મોત થયા હતા.

ગુરૂવારે રાતે ૧.૨૫ પર દર્દીના પરિવારના લોકોએ ઇમરજન્સી કોલ કરીને જણાવ્યું કે, જીએમસીમાં ઓકિસજનનું લેવલ ઘટી રહ્યું છે. ડોકટરોએ પણ તાત્કાલિક ઓકિસજન સપ્લાઇ માટે જીએમસીના વરિષ્ઠ અધિકારીઓ અને સ્કુપ ઇન્ડસ્ટ્રીને કોલ કર્યો પરંતુ તેને કોઇ જવાબ મળ્યો નહિ.

ગોવામાં છેલ્લા ઘણા દિવસથી ઓકસીજન ઘટતા દર્દીના મોત થઇ રહ્યા છે. મંગળવારે ૨૬, બુધવારે ૨૦, ગુરૂવારે ૧૫ અને હવે આજે ૧૩ના મોતનો આંકડો નોંધાયો છે. કોવિડ વોર્ડમાં કોરોના મોતના કારણે હોસ્પિટલનો ફજેતો થઇ રહ્યો છે તો બીજી બાજુ અધિકારીઓનું કહેવું છે કે લોજીસ્ટીકમાં સમસ્યાના કારણે આ ઘટના બની છે.

ગોવાની સરકારે હવે આ મેડિકલ કોલેજમાં ઓકિસજન સપ્લાય માટેની તપાસ અંગે એક કમિટિનું ગઠન કર્યું છે. આ કમિટિને ટાસ્ક આપવામાં આવ્યું છે કે તેઓ હોસ્પિટલને મળતી ઓકસીજન પર નજર રાખે અને ઓકસીજન અંગે કયાં સમસ્યા આવી રહી છે. તેની તપાસ કરીને ત્રણ દિવસમાં રીપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો છે.

(3:00 pm IST)